સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને શાળાના સંચાલકના પ્રતિક ધરણા

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને શાળાના સંચાલકના પ્રતિક ધરણા 1 - image


- 40 થી વધુ વિદ્યાર્થીઓ સાથે અન્યાયના આક્ષેપ સાથે 

- તરણેતરની ગ્રામીણ ઓલમ્પિક્સમાં અધિકારી દ્વારા કિન્નાખોરી રખાતા આક્રોેશ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં થાન તાલુકાના તરણેતર ખાતે  વર્ષોથી યોજાઈ રહેલા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળામાં દર વર્ષે ગ્રામણી ઓલમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ ૧૮મી ગ્રામીણ ઓલ્મપીક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં વીંછીયા તાલુકાના રૂપાવટી ગામે આવેલા ઉમીયા વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓએ અલગ-અલગ રમતો માટે સમયમર્યાદામાં ફોર્મ ભર્યા હોવા છતાં રમત-ગમત અધિકારીઓની જોહુકમીના કારણે ખેલાડીઓનો ટીમમાં સમાવેશ ન કરી કીન્નાખોરી રાખતા ભોગ બનનાર ખેલાડીઓએ શાળા સંચાલક સાથે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા પર બેસી વિરોધ કર્યો હતો.

વીંછીયા તાલુકાના રૂપાવટી ખાતે આવેલી ઉમીયા વિદ્યામંદિર શાળાના અંદાજે ૪૦થી વધુ વિદ્યાર્થીઓએ તરણેતરના મેળામાં યોજાયેલ ગ્રામીણ ઓલ્મપીક્સ ૨૦૨૩માં કબડ્ડી, સાતોડીયા નારગોલ સહિતની રમતોમાં ભાગ લીધો હતો. જેના માટે વિદ્યાર્થીઓએ નીયમ મુજબ સમયમર્યાદામાં ફોર્મ ભરી રજુ કર્યું હોવા છતાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગ્રામીણ ઓલમ્પિક્સની જવાબદારી સોંપેલ અધિકારી અનિલ મકવાણા દ્વારા ડ્રોની અંદર વિદ્યાર્થીઓની ટીમની એન્ટ્રી લીધી નહોતી અને તરણેતરના મેળાના પ્રથમ દિવસે તા.૧૮ સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતાં તે અંગેનું મનદુઃખ રાખી ગ્રામીણ ઓલમ્પિક્સની સ્પર્ધાના બીજે દિવસે રૂપાવટીની નારગોલ રમતની ટીમનું નામ એન્ટ્રીમાંથી કાઢી નાંખવામાં આવ્યું હતું. જ્યારે આજ શાળાના ભાઈઓની કબડ્ડીની ટીમ હોવાથી ગ્રામીણ ઓલમ્પિક્સમાં તે સીવાયની બધી રમતો રમાડવામાં આવી હતી. પરંતુ કબડ્ડીની રમત રદ્દ કરી વિદ્યાર્થીઓ સાથે કીન્નાખોરી રાખી હતી. આ ઉપરાંત ચાલુ સ્પર્ધાએ અમુક શાળાઓએ સમય મર્યાદામાં ફોર્મ રજૂ ન કર્યા હોવા છતાં અનીલ મકવાણાની અંગત ભલામણથી શાળાઓના નામ ડ્રોમાં સામેલ કર્યા હતાં.

સરકાર દ્વારા એક તરફ વિદ્યાર્થીઓ અલગ-અલગ રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી ઉજ્જવળ કારર્કિદી બનાવી શકે તે માટે છેલ્લા ૧૮ વર્ષથી તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલ્મપીક્સનું આયોજન કરે છે અને અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓએ ગ્રામીણ ઓલ્મપીક્સમાં ભાગ લઈ જીલ્લા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પણ ભાગ લઈ ઉતકૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.  ત્યારે ચાલુ વર્ષે તરણેતર ૨૦૨૩ની ગ્રામીણ ઓલ્મપીક્સમાં એક અધિકારીની કીન્નાખોરીને કારણે વીંછીયાના રૂપાવટી ગામની શાળાના અંદાજે ૪૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ પર અસર પડી છે અને ગ્રામીણ ઓલ્મપીક્સ માટે તમામ તૈયારીઓ કરી હોવા છતાં સ્પર્ધામાં ભાગ ન લઈ શકતા રોષ જોવા મળ્યો હતો. 

આ અંગે કોઈ જ હકારાત્મક ઉકેલ ન આવતાં સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. તેમજ  અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તેમજ પ્રતિક ધરણા બાદ પણ કોઈ જ ઉકેલ નહિં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે ગાંધીનગર મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

તરણેતરના મેળામાં યોજાયેલ ગ્રામીણ ઓલ્મપીક્સ-૨૦૨૩ માં વીંછીયાની રૂપાવટી ગામની શાળાના અંદાજે ૪૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે ફરજ પરના અધિકારી દ્વારા કીન્નાખોરી રાખી સ્પર્ધામાં ભાગ ન લેવા દેતા આ અંગે ગત તા.૨૫ સપ્ટેમ્બરના રોજ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તેમજ જીલ્લા કલેકટરને રજૂઆત કરી હોવા છતાં કોઈ જ પગલા લેવામાં ન આવ્યા હોવાનું પણ શાળાના ટ્રસ્ટી ભુપતભાઈ કેરાલીયાએ જણાવ્યું હતું.

અધિકારીઓ દ્વારા રાગદ્વેષનો આક્ષેપ

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના લોકમેળામાં સુરેન્દ્રનગર જીલ્લા સહિત રાજ્યભરમાંથી મોટીસંખ્યામાં દુર દુરથી વિદ્યાર્થીઓ અલગ-અલગ રમતોમાં ભાગ લેવા ઉમટી પડે છે અને પોતાનું કૌતુક દેખાડી જીલ્લા સહિત રાજ્યનું રમત-ગમત ક્ષેત્રે ગૌરવ વધારે છે તેમ છતાંય અમુક અધિકારીઓ દ્વારા ઈરાદાપૂર્વક વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકો સાથે ભેદભાવ રાખી ગ્રામીણ ઓલમ્પિક્સની રમતોથી અળગા રાખતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.


Google NewsGoogle News