Get The App

ધ્રાંગધ્રાના જેસડા ગામના વિદ્યાર્થીનું પાટણની ધારપુર બોયઝ હોસ્ટેલમાં શંકાસ્પદ મોત નીપજ્યું

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રાના જેસડા ગામના વિદ્યાર્થીનું પાટણની ધારપુર બોયઝ હોસ્ટેલમાં શંકાસ્પદ મોત નીપજ્યું 1 - image


- એમબીબીએસના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી ધારપુર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો

- સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગથી મોત નીપજ્યું હોવાની ચર્ચાઓ

- સ્થાનીક પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની અને પાટણ જીલ્લાની ધારપુર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં બોયઝ હોસ્ટેલમાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. જે મામલે કોલેજના સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરવામાં આવતા મોત નીપજ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે આ બનાવની જાણ થતાં મૃતક વિદ્યાર્થીના માતા-પિતા સહિત પરિવારજનો ધારપુર ખાતે દોડી ગયા હતા અને સમગ્ર બનાવમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના જેસડા ગામે રહેતા વિદ્યાર્થી અનીલ મેથાણીયાએ એક મહિના પહેલા જ પાટણના ધારપુર મેડીકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં એડમીશન લીધું હતું અને બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો. જે દરમ્યમાન અચાનક અનીલની તબીયત લથડી હોવાની જેસડા ગામે રહેતા પરિવારજનોને ટેલીફોનીક જાણ કરવામાં આવતા પરિવારજનો હોસ્પીટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું . આથી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુુ તપાસ હાથધરવામાં આવી છે જ્યારે આ મામલે કોલેજના અન્ય વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોલેજમાં અભ્યાસ કરતા સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરવામાં આવતું હોવાની અને મૃતક અનીલને સતત ઉભો રાખવાથી બેભાન થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આ બનાવમાં વોટ્સઅપ ગૃપમાં રેગીંગ પહેલાની ચેટ પણ સામે આવી હતી જેમાં અન્ય ભોગ બનનાર વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વોટ્સઅપ ગૃપમાં મેસેજ બાદ તેઓને હોસ્ટેલના એક રૃમમાં બોલાવાયા હતા જ્યાં સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક પુછપરછ કરી જુનીયર વિદ્યાર્થીઓને માથુ નીચે રાખીને ઉભા રહેવાનું જણાવ્યું હતું અને ખોટી દાદાગીરી પણ કરી હતી. જે દરમ્યાન મૃતક વિદ્યાર્થી અનીલ ઢળી પડયો હોવાનું સાથેના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આમ ધ્રાંગધ્રાના જેસડા ગામના આશાસ્પદ વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં ધારપુર બોયઝ હોસ્ટેલમાં મોત નીપજતા સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ ફેલાયો છે જે મામલે મૃતકના પિતાએ સ્થાનીક બાલીસણા પોલીસ મથકે જાહેર કરતા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે. જ્યારે બીજી બાજુ આ મામલે કોલેજના સત્તાધીશો સહિત સ્થાનીક પોલીસ દ્વારા નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે અને દોષીત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News