કચ્છના નાના રણમાં ઘુડખરની ગણતરીનો પ્રારંભ કરાયો
- 2500 લોકો ગણતરીમાં જોડાયા
- ડ્રોન, બાઈનોક્યુલર સહિતના ઉપયોગથી ઘુડખરની ગણતરી શરૂ કરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા ઘુડખર અભયારણ્યમાં દર પાંચ વર્ષે રાજ્યના વન વિભાગ દ્વારા ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે બે દિવસ માટે ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે ઘુડખરની ગણતરી શરૂ કરવામાં આવી છે.
કચ્છના નાના રણના અંદાજે ૪૯૫૩ ચોરસ કિ.મી. વિસ્તારમાં ઘુડખર અભયારણ્યમાં આવેલું છે. જેમાં શેડયુલ-૧ કક્ષાનું વન્ય પ્રાણી ઘુડખર, જે એશીયામાં ફક્ત આ અભયારણ્યમાં જોવા મળે છે તેની ગણતરી રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવે છે.
ચાલુ વર્ષે બે દિવસ માટે ઘુડખરની ગણતરીનો મંગળવારે પ્રારંભ કરવામાં આવ્યો છે. બુધવારે મોડી સાંજ સુધી ઘુડખરની ગણતરી કરવામાં આવશે. કાળઝાળ ગરમીમાં રણની અંદર અલગ અલગ પોઇન્ટ પર ગણતરીકારોની ઉપસ્થિતિમાં ગણતરીનો પ્રારંભ થયો હતો.
જે જગ્યાએ ગણતરીકારો જઈ ન શકે તેવી જગ્યાએ ડ્રોન તેમજ બાયનોક્યુલર દ્વારા ઘુડખરની ગણતરી કરવામાં આવશે. વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામજનો સહિત અંદાજે ૨૫૦૦થી વધુ લોકો ઘુડખર ગણતરીમાં જોડાયા છે.