40 લોકોને બચકા ભરનાર હડકાયા શ્વાનનો જોરાવરનગરમાંથી મૃતદેહ મળ્યો

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
40 લોકોને બચકા ભરનાર હડકાયા શ્વાનનો જોરાવરનગરમાંથી મૃતદેહ મળ્યો 1 - image


- સુરેન્દ્રનગરના લોકોએ રાહત અનુભવી

- પાલિકા દ્વારા નિયમિત શ્વાન પકડવામાં આવે તેવી માંગ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં  એક જ શ્વાને અલગ-અલગ વિસ્તારોમાં અંદાજે ૪૦થી વધુ લોકોને બચકાઓ ભરી ઈજાઓ પહોંચાડી હતી. જેમાં મોડીરાત્રે હડકાયું શ્વાન મૃત હાલતમાં મળી આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરેન્દ્રનગરમાં હડકાયું થયેલા એક  શ્વાન દ્વારા શહેરના દુધરેજ વિસ્તારથી એનટીએમ ચોક, ટાવર રોડ, મેગા મોલ, મેઈન રોડ, મોટી શાક માર્કેટ  સહિતના વિસ્તારોમાં જઈ ગણતરીના કલાકોમાં અંદાજે ૪૦થી વધુ લોકોને બચકા ભર્યાં હતાં.  જેના ભાગરૂપે મોડી રાત સુધી મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ,  ટી.બી.હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલમાં ભીડ જોવા મળી હતી. જ્યારે ભોગ બનનાર પૈકી ૩ વ્યક્તિઓને વધુ ઈજાઓ પહોંચી હોવાથી  ટી.બી.હોસ્પીટલ પહોંચ્યા હતાં. જ્યાં ઈન્જેકશન દીઠ રૂા.૫,૦૦૦ ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. 

ત્યારે બીજી બાજુ આતંક મચાવનાર શ્વાનને ઝડપી પાડવા માંગ ઉઠી હતી. આથી પાલિકા ટીમો દ્વારા હડકાયા શ્વાનની શોધખોળ હાથધરાઈ હતી. તે દરમિયાન બચકા ભરનાર હડકાયું શ્વાન મૃત હાલતમાં જોરાવરનગર વિસ્તારમાંથી મળી આવતાં તંત્ર અને ભોગ બનનાર લોકો સહિત શહેરીજનોએ રાહત અનુભવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા નિયમીત રીતે શ્વાનને પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


Google NewsGoogle News