સાયલા હાઈવે પર ટેન્કરમાં છૂપાવીને હેરાફેરી કરાતો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
- એક મહિનામાં દારૂ ભરેલું બીજું ટેન્કર ઝડપાયું
- 600 પેટી દારૂ સહિત ૩૫ લાખનો મુદ્દામાલ હોવાની સંભાવના, એલસીબી પોલીસે તપાસ હાથ ધરી
સાયલા : સાયલા-ચોટીલા નેશનલ હાઈવે ઉપર આયા બોર્ડ પાસે ઇંગ્લિશ દારૂ ભરીને જતું ટેન્કર સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી પાડયું હતું.
સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર આયા બોર્ડ પાસે રાજકોટ તરફ જતાં ટેન્કરને સુરેન્દ્રનગર એલસીબીએ બાતમીના આધારે રોક્યું હતું. જેમાં તલાશી લેતાં મોટા પ્રમાણમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો હોવાનું ખુલ્યું હતું.
જેથી પોલીસે દારૂ ભરેલા ટેન્કરને સાયલા પોલીસ મથકે લાવવામાં આવ્યો છે. દારૂ ભરેલું ટેન્કર ઝડપાતા સુરેન્દ્રનગર જિલ્લા એસપી સાયલા ખાતે દોડી આવ્યા હતા. તેમજ ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી છે. હાલમાં આ લખાઈ રહ્યું છે, ત્યારે મોડી સાંજ સુધી પોલીસ દ્વારા દારૂના જથ્થા અંગે ગણતરી હાથ ધરાઈ છે. પોલીસ સુત્રો મુજબ ઈંગ્લિશ દારૂની ૬૦૦ પેટી હોવાનો તથા ટેન્કર મળી રૂ.૩૫ લાખનો મુદ્દામાલ હોવાની સંભાવના છે.
નોંધનીય છે કે, સાયલા નેશનલ હાઈવે પર એક મહિના અગાઉ પણ સાયલા પોલીસ દ્વારા ટેન્કરમાંથી દારૂની ૬,૦૬૦ બોટલો ઝડપી પાડી હતી. જેમાં કુલ રૂ.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ત્યારે એક મહિનાની અંદર દારૂનો બીજો મોટો જથ્થો ટેન્કરમાંથી ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે.