જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરેલ દબાણ દુર કરવા કલેકટરને રજુઆત

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા  કરેલ દબાણ દુર કરવા કલેકટરને રજુઆત 1 - image


- મુળીની સડલા ગામે સરકારી જમીન ઉપર

- સર્વે નંબર વગરના દસ્તાવેજના આધારે મામલતદાર જીલ્લા પંચાયતના પ્રમુખને છાવરતા હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના સડલા ગામે જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતનાઓ દ્વારા સરકારી જમીન ઉપર કરેલ દબાણ દુર કરવા માટે મામલતદાર દ્વારા વર્ષ ૨૦૨૩માં લેખીત હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાંય તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું નહોતું ત્યારે તાજેતરમાં ગ્રામજનો દ્વારા આ દબાણ હટાવવાની માંગ કરતા મામલતદાર દ્વારા દસ્તાવેજ નંબર જણાવી જમીન જીલ્લા પંચાયત પ્રમુખની માલીકીની હોવાનું જણાવી દબાણ દુર નહીં કરી શકાય તેવો લેખીત જવાબ આપતા ગ્રામજનોએ દસ્તાવેજ કઢાવ્યો હતો પરંતુ અંદર સર્વે નંબર જ લખેલો નહિં હોવાથી સ્થાનીક તંત્ર જીલ્લા પંચાયત પ્રમુખને છાવરતા હોવાથી આ મામલે જીલ્લા કલેકટર પાસે ન્યાયની માંગ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મુળી તાલુકાના સડલા ગામે સરકારી સર્વે નંબર ૧૦૪ પૈકી વાળી ૨૩ લોકોની જમીન પર કરેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા મુળી મામલતદારે હુકમ કર્યો હતો. આ દબાણ દુર કરવા ગ્રામજનોએ મામલતદારને રજુઆત કરતા મામલતદાર દ્વારા આ જમીન માલીકીની હોવાનું જણાવી દસ્તાવેજ નંબર હુકમમાં લખ્યો હતો જે અંગે ગ્રામજનોએ દસ્તાવેજ ફી ભરીને કઢાવતા દસ્તાવેજમાં કોઈ જ સર્વે નંબર લખેલો જણાઈ આવ્યો નહોતો .

તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ અને તેમના પિતા બચુભાઈ પટેલ દ્વારા કરેલા દબાણની મામલતદાર સહિતની ટીમ દ્વારા માપણી કરવામાં આવતાં ૧૧૦૦ ચો.વાર દબાણ કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સર્વે નંબર વગરના દસ્તાવેજમાં ૫૨૫ ચોર.વાર માપ લખેલું છે તેમજ દસ્તાવેજમાં પ્લોટની આજુબાજુના લખેલા નામવાળા કોઈપણ વ્યક્તિની કોઈ જ જગ્યા પણ નથી. 

આમ દબાણ દુર કરવા ગ્રામજનોએ મુળી મામલતદારને રજુઆત કરતા મામલતદાર તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સર્વે નંબર વગરના આધારે બચવા માટે હવાતીયા મારી રહ્યાં છે. ત્યારે ગ્રામજનો પણ મક્કમ હોય તેમ લાગી રહ્યું છે તમામ પુરાવાઓ સાથે સ્થાનીક રહિશ દિલીપભાઈ ઉજમશીભાઈ પટેલ સહિતના ગ્રામજનોએ આ મામલે જીલ્લા કલેકટર ઓફીસે લેખીત રજુઆત કરી ન્યાયની માંગ કરી છે. આથી હવે સર્વે નંબર વગરના દસ્તાવેજ અને અગાઉ દબાણ દુર કરવાનો કરેલ હુકમને ધ્યાને લઈ જીલ્લા કલેકટર કે.સી.સંપટ જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કરેલું દબાણ દુર કરાવે છે કે પછી પ્રમુખને બચાવવાના પ્રયત્નો કરે છે તેના પર સ્થાનીક ગ્રામજનો સહિત જીલ્લાના લોકોની મીટ મંડાઈ છે. 

જ્યારે આ મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીના જણાવ્યા મુજબ જીલ્લાના કોઈપણ ચુંટાયેલા પ્રતિનિધિ કે આગેવાનો સરકારી જમીન ઉપર દબાણ કરે તો સરકારી જોગવાઈ મુજબ ડિસ્કક્વોલીફાઈ કે સસ્પેન્ડ થાય જ ત્યારે તંત્ર દ્વારા જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરેલ દબાણ અંગે પણ તાતકાલીક કાર્યવાહી થવી જોઈઅ.

ે જે અંગે ગામના સ્થાનીક રહિશ દિલીપભાઈ પટેલ સહિતનાઓના જણાવ્યા મુજબ મામલતદારે અગાઉ દબાણ દુર કરવા લેખીત હુકમ કરવા છતાંય હાલના મામલતદાર દ્વારા દબાણ કરેલ જગ્યા જીલ્લા પંચાયત પ્રમુખની માલીકીની હોવાનું જણાવી છાવરતા હોય તેમ લાગી રહ્યું છે પરંતુ અંત સુધી લડત આપી ન્યાય મેળવશે જ અને મામલતદાર પાસે રજુ કરવામાં આવેલ દસ્તાવેજમાં કોઈ જ સર્વે નંબર ન હોવા છતાંય સ્થાનીક તંત્ર જીલ્લા પંચાયત પ્રમુખને બચાવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.



Google NewsGoogle News