સુદામડા ખનીજ ચોરી પ્રકરણના આરોપીના ઘરેથી પિસ્તોલ મળી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સુદામડા ખનીજ ચોરી પ્રકરણના આરોપીના ઘરેથી પિસ્તોલ મળી 1 - image


- સમગ્ર કાર્યવાહી વીડિયોગ્રાફી સાથે કરાઈ છે : પોલીસ

- આરોપીની દિકરીએ પણ પોલીસ વિરૂદ્ધ આક્ષેપ કરતો વીડિયો વાઈરલ કર્યો: અત્યાર સુધી છ પોલીસ ફરિયાદો

સાયલા : સુદામડા ખનીજ ચોરીમાં દિન પ્રતિદિન નવી-નવી પોલીસ ફરિયાદ સામે આવતી જાય છે. ત્યારે આજે આરોપીના ઘરેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ એક ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ પોલીસે બળજબરી પૂર્વક પિસ્તોલ ઘરમાંથી મળી હોવાનું બોલાવી લીધુ હોવાના તેમજ પિતા અને ભાઈને એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવશે તેવા પોલીસ પર આક્ષેપો કરતો વિડિયો વાઈરલ કર્યો હતો. આ સંદર્ભે સમગ્ર કાર્યવાહી વિડિયોગ્રાફી સાથે કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

સુરેન્દ્રનગર એસઓજીની ટીમ સુદામડા ખાતે આરોપી સોતાજ યાદવ તથા તેના પુત્ર કુલદીપ યાદવના ઘરે જડતી તપાસ કરવા માટે ગઈ હતી ત્યારે સોતાજના રૂમમાં ટીવી કોર્નરના ખાનામાંથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી તથા પિસ્તોલ બાબતે લાભુબેનને પૂછતાં પિસ્તોલ તેમના ભાણેજ સોતાજ યાદવની છે સાથે જીવતા કાર્ટીસ બે નંગ તથા ફૂટેલા કાર્ટીસ એક નંગ પણ મળી આવ્યા હતા.

 જ્યારે આરોપી ઘરે મળી આવેલો ન હતો. દેશી હાથ બનાવટ પિસ્તોલ જેની કિંમત રૂપિયા ૫૦ હજાર તથા બે નંગ જીવતા કાર્ટીસની કિંમત ૨૦૦ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો હતો. 

જ્યારે આ બાબતે સોતાજ યાદવની દીકરી દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમારી પાસે બળ જબરીપૂર્વક બોલાવવામાં આવ્યું હતું કે આ પિસ્તોલ અમારી છે. આ પિસ્તોલ અમારી નથી તથા મકાનમાં મોટા પાયે નુકસાન કરી માલ- મિલકતને પોલીસ દ્વારા નુકસાન કર્યું છે. 

વીડિયોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ દ્વારા તેના પિતા તેમજ ભાઈને એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવશે.

આ બાબતે લીંબડી ડીવાયએસપી ચેતન મુંધવાએ જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યવાહી વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી છે.

સુદામડા ખનીજ ચોરી પ્રકરણમાં છેલ્લા ચાર- પાંચ દિવસમાં અંદાજે જુદા જુદા પ્રકારની ખનીજચોરી, વિસ્ફોટક પદાર્થ, સોશિયલ મીડિયામાં ફાયરિંગ કરતો વિડિયો ખંડણી ગેરકાયદેસર હથિયાર રાખવા, ખંડણી સહિતની છ જેટલી પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.


Google NewsGoogle News