સોમાસર-ડોળિયા રોડ પરની હોટલમાંથી પેટ્રોલ-ડિઝલની ચોરી કૌભાંડ પકડાયું

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સોમાસર-ડોળિયા રોડ પરની હોટલમાંથી પેટ્રોલ-ડિઝલની ચોરી કૌભાંડ પકડાયું 1 - image


- પાંચ હજાર લિટર પેટ્રોલ અને 1500 લિટર ડિઝલ ઝબ્બે

- 38 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા, મુખ્ય સુત્રધાર ફરાર

સુરેન્દ્રનગર : મુળીના સોમાસર-ડોળીયા રોડ પર આવેલી હોટલનાં કમ્પાઉન્ડમાં પેટ્રોલ, ડિઝલના ટેન્કરમાથી પેટ્રોલ અને ડિઝલ ચોરી કરી વેચવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. જેમાં પાંચ હજાર લીટર પેટ્રોલ, ૧,૫૦૦ લીટર ડીઝલ, એક ટેન્કર તથા પેટ્રોલ ડીઝલ કાઢવા માટેના સાધનો સહીત કુલ રૂા.૩૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. જ્યારે આ કૌભાંડના મુખ્ય સુત્રધાર હોટલ માલિક હાજર મળી ન આવ્યો હતો.

મુળી તાલુકાના સોમાસર ગામથી ડોળીયા તરફ જતા રસ્તા પર આવેલા મેરૂભાઇ લીલાભાઇ ખાંભલાની હોટલમાં હોલ્ટ કરતા પેટ્રોલ-ડિઝલના ટેન્કરોના ચાલક સાથે મળી પેટ્રોલ-ડિઝલ કાઢી લઇ વેચાણ કરવામાં આવતુ હોવાની બાતમી સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમને મળતા સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડો કર્યો હતો. 

જેમાં હોટલના કમ્પાઉન્ડમાંથી પાંચ હજાર લીટર પેટ્રોલ, ૧,૫૦૦ લીટર ડિઝલ, એક વાહન, ૩ મોબાઇલ, પ્લાસ્ટિકના કેરબા સહીતના પેટ્રોલ ડિઝલ કાઢવા માટેના સાધનો સહીત કુલ રૂા.૩૮.૨૦ લાખના મુદ્દામાલ સાથે સૌરભસીંગ સીવબચ્ચનસીંગ, પ્રતાપભાઇ જીલુભાઇ ખાચર અને ગૌતમ ઉર્ફે નાનો મગનભાઇ અડાલજા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. 

જ્યારે પેટ્રોલ ડિઝલ ચોરી કૌભાંડનો મુખ્ય સુત્રધાર અને હોટલ માલિક મેરૂભાઇ લીલાભાઇ ખાંભલા હાજર ન મળી આવ્યો હતો. આથી તમામ શખ્સો વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News