ધ્રાંગધ્રામાં ક્ષત્રિય પરિવાર પર હુમલાના વિરોધમાં આવેદનપત્ર અપાયું
- કરણી સેના દ્વારા સભા યોજવામાં આવી
- હુમલાખોરોને સત્વરે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઇ
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાનાં સોની તલાવડી વિસ્તારમાં ક્ષત્રિય પરિવારનાં ઘરમાં ઘુસી મુસ્લિમ જુથે કરેલા હુમલા પ્રકરણમાં કરણી સેના દ્વારા સભા યોજી હુમલાખોરોને ઝડપી લેવા આવેદનપત્ર પાઠવ્યુ હતું.
આ અંગેની વધુ વિગત એવી છેકે, ધ્રાંગધ્રા શહેરનાં નજીવી બાબતે ક્ષત્રિય પરિવારના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનની ફરીયાદનાં આધારે ત્રણ મહિલાઓ સહીત નવ શખ્સો વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં ત્રણ મહિલા સિવાય અન્ય હુમલાખોરો પોલીસ પકડથી હજુ દુર છે. જેને લઈને કરણી સેના દ્વારા ધ્રાંગધ્રા શહેરનાં ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે સભા યોજી હતી. જેમાં બજરંગ દળ, વિ.હિ.પ. સહીતની હિન્દુ સંસ્થા દ્વારા ટેકો જાહેર કરી હુમલાખોર વિધર્મીને ઝડપી પાડવા મામલતદાર અને ડી.વાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવાયુ હતું. અને નાસતા ફરતા શખ્સોને તાત્કાલીક ઝડપી લઈ કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. સભામાં ગુજરાત કરણીસેનાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.