રાજપરની સીમમાં વીજ થાંભલો નાખવા બાબતે વ્યક્તિને ધમકી
- ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
- બળજબરીપુર્વક 15.50 લાખ પડાવી લીધા બાદ પણ કામગીરી બંધ કરાવી હોવાની ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામની સીમમાં વીજથાંભલાની લાઈન નાંખવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન એક વ્યક્તિને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ થાંભલા નાંખવાની કામગીરી બંધ કરાવી બળજબરીપૂર્વક રૂા.૧૫.૫૦ લાખ પડાવી લીધાની ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા ચાર શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજપર ગામની સીમમાં ફરિયાદી સંદિપભાઈ જયંતીભાઈ હળવદીયા (પટેલ)ની સ્પીનિંગ મીલના નામે નાંખેલા સોલાર પ્લાન્ટથી ધ્રાંગધ્રા ગુરૂકુળ પાસે આવેલા સબ સ્ટેશન ખાતે વીજપુરવઠો પહોંચાડવા માટે વીજલાઈનના થાંભલા નાંખવાની કામગીરી શરૂ હતી ત્યારે ફરિયાદી ત્યાં હાજર હતા.
તે દરમિયાન ગામમાં જ રહેતા જયેશભાઈ ચમનભાઈ ભટ્ટ, હાર્દિકભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ અને ભોલીયો ભટ્ટ આવી જમીન તેઓની માલિકીની હોવાનું જણાવ્યું હતું અને પોતે ૭૦ વર્ષથી તેનો કબ્જો ધરાવે છે, તેમ જણાવી થાંભલા નાંખવાની કામગીરી બંધ કરવાનું કહી ફરિયાદીને અપશબ્દો કહ્યાં હતા.
તેમજ વીજ થાંભલા નાંખવા હોય તો રૂા.૧ કરોડની માંગણી કરી હતી અને ફરિયાદી સાથે ઝઘડો કરી રૂપિયા આપ્યા બાદ જ કામગીરી શરૂ રાખવા દેશે તેમ જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ જયેશભાઈ પોતે વકીલ હોવાથી કોર્ટમાં પણ કઈ નઈ થઈ શકે તેમ જણાવ્યું હતું.
તેમ છતાંય ઉગ્ર બોલાચાલી થતાં અને વધુ ઝઘડો ન થાય તેવા ડરથી ફરિયાદીએ રૂા.૧૫.૫૦ લાખ સ્થળ પર જ આપ્યા હતા તેમ છતાંય ચારેય શખ્સોએ સ્થળ પર આવી વીજ થાંભલો નાંખવાની કામગીરી અવાર-નવાર બંધ કરાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે અંગે ભોગ ચાર શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.