પાનવામાં દારૂ અને બીયરનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો
- દારૂના વેપલા પર એલસીબીનો દરોડો
- 85 હજારનો મુદ્દામાલ કબજે કરી બે સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના પાનવા ગામે રહેણાંક મકાન પાસે બાઇકમાં વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો રાખી વેચાણ કરતા શખ્સને સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂ અને બીયર સહીત કુલ રૂા.૮૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પાનવા ગામે રહેતો મેહુલભાઇ જીવણભાઇ ઠાકોર પોતાના રહેણાંક મકાન પાસે બાઇકમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે દરોડો કર્યો હતો.
જેમાં મેહુલભાઇને વિદેશી દારૂની ૩૨ બોટલો, ૨૨ નંગ બીયર તેમજ બાઇક અને મોબાઇલ સહીત કુલ રૂા.૮૫,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે તેની પુછપરછ કરતા આ વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો બનાસકાંઠા જિલ્લાના જુના વજાપુર ગામના અમરતભાઇ પીરાભાઇ રબારી નામના શખ્સે આપ્યો હોવાની કબુલાત કરી હતી.
એલસીબીએ બંને શખ્સો વિરૂધ્ધ દસાડા પોલીસ મથકે ગુનો નોંધાવી અમરતભાઇને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.