બરવાળામાં ધોરમાર વરસાદ સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે
સાંજે ૭.૪૫ આસપાસ ધૂળની ડમરીનું તોફાન સર્જાયા બાદ ૧૫ મીનીટમાં જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો
બરવાળા: હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે આજે બોટાદ જિલ્લાના બરવાળા શહેર તથા પંથકના ગામડાઓમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ત્રાટકતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સાંજના સમયથી જ ભારે પવન અને ધૂળની ડમરીનું તોફાન સર્જાયા બાદ રાતે ૮ વાગ્યાના અરસામાં વરસાદ પડયો હતો. ભારે વરસાદથી બરવાળા શહેરમાં વરસાદી પાણી વહેતા થયાં હતા.
રાજ્યના જુદાં-જુદાં ભાગોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે આજે બોટાદ જિલ્લાના બરવાળા શહેર, સાળંગપુર સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. બરવાળા શહેરમાં આજે સાંજે ૭.૪૫ કલાકના અરસામાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો અને માત્ર ૧૦થી ૧૫ મીનીટના અરસામાં જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે બરવાળા શહેર, સાળંગપુર તથા આજુબાજુના પંથકમાં મીની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. અચાનક વાતાવરણમાં આવેલા ફેરફાર સામાન્ય જનજીવન પર અસર કરી હતી. ગાજવીજ સાથે પડેલા વરસાદથી બરવાળાની બજારમાં વરસાદી પાણી વહેતા કરી દીધાં હતા તો બીજી તરફ ભારે વરસાદના કારણે બરવાળામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આકરી ગરમી બાદ આજે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.