ધ્રાંગધ્રામાં ધોળા દિવસે આધેડની 3 લાખ રોકડ ભરેલી થેલીની લૂંટ
થેલી ચોરી જતો યુવક સીસીટીવીમાં કેદ
ચુલીના આધેડ બેંકમાંથી રૂપિયા ઉપાડી ઝાલા રોડ પરના ગેરેજે બાઈક રિપેરિંગ કરાવતા હતા ત્યારે ઘટના બની
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાંથી દિનદહાડે ચુલી ગામના આધેડની ત્રણ લાખ રોકડ રકમ ભરેલી થેલીને નજર ચુકવી એક શખ્સ ઉઠાવી ગયાની ફરિયાદ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા સીસીટીવીમાં એક યુવક રોકડ રકમ ભરેલી થેલીને લઈ નાસી છુટતો નજરે પડયો હતો.
ધ્રાંગધ્રાના ચુલી ગામે રહેતા ફરિયાદી દેવજીભાઈ જગાભાઈ ધોળકીયા (ઉ.વ.૬૦)એ ધ્રાંગધ્રાની શાક માર્કેટ પાસે આવેલી એસબીઆઈ બેન્કમાંથી રોકડ રૂા.૩ લાખ ઉપાડયા હતા અને આ રકમ થેલીમાં મુકી ઝાલા રોડ પર આવેલા ઓટો સર્વિસ ગેરેજ ખાતે બાઈક રીપેરીંગ કરાવી રહ્યા હતા અને તેની બાજુમાં ઓટો પાસે રોકડ રકમ ભરેલી થેલી મુકી હતી.
આ થેલી અજાણ્યો શખ્સ ફરિયાદીની નજર ચુકવી ચોરી કરી ગણતરીની મિનિટોમાં નાસી છુટયો હતો. જ્યારે આ અંગેની જાણ આધેડને થતાં શખ્સની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો અને આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં એક શખ્સ ગેરેજની આસપાસ આટા મારતો તેમજ આધેડની નજર ચુકવી રોકડ રકમ ભરેલી થેલીની ચોરી કરી નાસી છુટતો નજરે પડયો હતો. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે નાસી છુટેલા શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
દિનદહાડે રોકડ રકમ ભરેલી થેલીની ચોરીનો બનાવ બનતા અન્ય દુકાનદારો સહિત લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જે સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા અને શહેરી વિસ્તારમાં વધુ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે અને વધારાના પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જીશ૧૧૦૪-૦૧-૦૨
ધ્રાંગધ્રા શહેરના ઝાલા રોડ પર ચુલી ગામના આધેડની ઓટલા પર મુકેલી રોકડ રકમ રૂા.૩ લાખ ભરેલી થેલીની દિનદહાડે ચોરી કરી અજાણ્યો યુવક નાસી છુટયો હતો. જે અંગે આધેડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવમાં એક યુવક રોકડ રકમ ભરેલી થેલીની ચોરી કરી નાસી છુટતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં નજરે પડયું હતું.