મોરબીમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થતાં આધેડની હત્યા
સામાકાંઠા વિસ્તારમાં દિવાળીનાં સપરમા દિવસોમાં જ કરૂણ ઘટના
પાડોશી સાથે ઝઘડો કરી રહેલા શખ્સને સમજાવવા માટે જતાં આધેડને છાતીમાં છરીનો જીવલેણ ઘા ઝીંકીને નાસી છૂટયો
મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેતા આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવ હત્યામાં પલટાયો હોય, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધવા અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રીના મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઇ હતી. અને બાદમાં માથાકૂટ થતા રાજેશ ગઢવી નામના આધેડને ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન રાજેશ ગઢવીનું મોત થયું હતું.
જે બનાવ મામલે મૃતકના ભાણેજ સિદ્ધાર્થ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત રાત્રીના રાજેશ ગઢવી પોતાના મકાન બહાર બેઠા હતા. ત્યારે પાડોશી લાખાભાઈ નામના ઘર પાસે આરોપી વલ્લી ફટાકડા ફોડી રહ્યો હતો જેથી લાખાભાઈએ વલ્લીને ફટાકડા ફોડવાની ના પાડી હતી. જેથી બંને વચ્ચે બોલાચાલી થવા પામી હતી. પરિણામે રાજેશભાઈ ગઢવી બંનેને ઝઘડો ના કરવા મધ્યસ્થતા કરવા ગયા હતા
અચાનક આરોપી વલ્લીએ ઉશ્કેેરાઈ જઈને રાજેશભાઇ ગઢવીને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો. જેથી સારવારમાં મોત થયું હતું. દિવાળીના સપરમાં દિવસોમાં આધેડના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો મોરબી પોલીસે હત્યાનો ગુનો નોંધવા અને આરોપી વલ્લીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.