સુરેન્દ્રનગરમાં મતગણતરી સંદર્ભે ઉમેદવારો સાથે બેઠક યોજાઈ
- જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં
- મતગણતરી સમયે ઉમેદવારોને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માહિતગાર કરાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાં મતગણતરી વખતે ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાની વિવિધ બાબતો અંગે માહિતગાર કરાયા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં વિક્ષેપ વગર તેમજ મુક્ત અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ માચીસ, ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ લઈ જઈ શકાશે નહીં કે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
તેમજ ચૂંટણી પંચની સૂચના મુજબ મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી કોઈપણ વ્યક્તિઓએ મોબાઈલ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ સાથે ન લાવવા માટે જણાવ્યું હતું. વધુમાં મત ગણતરીના દિવસે ઉમેદવારો કે ઉમેદવારના ટેકેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થવા સંભવ હોવાથી મતગણતરી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે બાબતે ધ્યાન રાખવા તાકીદ કરી હતી.
જ્યારે જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાએ મતગણતરી પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉમેદવારો તથા મતગણતરી એજન્ટોને ચૂંટણી આઈકાર્ડ આપવામાં આવ્યાં છે. તે આઈકાર્ડ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ આ આઈકાર્ડ સાથે વ્યક્તિએ અન્ય કોઈ વૈકલ્પિક પુરાવા પણ સાથે રાખવાનો રહેશે.
તેમજ મતગણતરીના દિવસથી ૩૦ દિવસની અંદર દરેક ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કરવાના રહે છે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત વિવિધ પક્ષોના ઉમેદવારો હાજર રહ્યા હતા.