સુરેન્દ્રનગર કમલમ્ ખાતે લોકસભાના ઉમેદવારને લઈ બેઠક યોજાઈ
- લોકાર્પણ અને ખાતમૂહુર્તના કામો બાદ
- લોકસભાના ઉમેદવાર અંગે રાજકીય આગેવાનો, હોદ્દેદારો સાથે ચર્ચા- મંથન કરાયું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ખાતે રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રીએ રતનપર બાયપાસ રોડ પર આવેલા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે જિલ્લાના રાજકીય આગેવાનો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ સહિત આગામી લોકસભાના ભાજપના ઉમેદવાર વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
ગુજરાતમાં લોકસભાની ચુંટણીનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે. જેમાં પ્રથમ યાદીમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૧૫ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચુકી છે અને બાકીના ૧૧ ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે સુજલામ સુફલામ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભ બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જીલ્લા ભાજપ નમો કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ સહિત નાયબ મુખ્યદંડક અને જીલ્લાના તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ, પૂર્વ સાંસદ સહિતના જીલ્લાભરના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર અંગે મંથન તેમજ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લામાંથી લોકસભાના ઉમેદવાર તરીકે કોની પસંદગી કરવી ? પ્રદેશ હાઈકમાન્ડ કોને ટિકિટ આપે છે સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ આ બેઠક બાદ તેનો વિસ્તૃત અહેવાલ પ્રદેશકક્ષાએ રજુ કરવામાં આવશે અને ત્યારબાદ બીજી યાદીમાં સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે. હાલ જીલ્લામાં આગામી લોકસભાના ઉમેદવારની પસંદગીને લઈ ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે પ્રદેશ હાઈ કમાન્ડ દ્વારા કોને પસંદ કરવામાં આવે છે તે આવરનાર દિવસોમાં જ માલુમ પડશે.