મુળી અને થાન તાલુકાના 20 ગામોના ખેડૂતોની બેઠક યોજાઈ
- સીંચાઈનું પાણી બંધ કરી દેતા વડધ્રા ગામે બેઠક
- પાંચ દિવસમાં પાણી નહીં મળે તો ભાજપના નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટર લગાવી વિરોધની ચિમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાની પાઈપલાઈનો પસાર થાય છે તેમ છતાં કેટલાક તાલુકાઓને સીંચાઈ માટે પાણી ના મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે મુળી તાલુકાના વડધ્રા ગામે મુળી તેમજ થાન તાલુકાના અંદાજે ૨૦થી વધુ ગામોના ખેડુતો એકત્ર થયા હતા અને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો ગામમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટર લગાવવાની ચિમકી ઉચ્ચારી છે.
મુળીમાંથી નર્મદાની પાણીની લાઈનો પસાર થાય છે પરંતુ તાલુકાના અનેક ગામોને સીંચાઈ માટે પાણી આપવામાં આવતું ના હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્ર દ્વારા અગાઉ શરૂઆતમાં થોડા દિવસો માટે સીંચાઈનંં પાણી આપવામાં આવતાં ખેડૂતોએ પોતાની જમીનમાં રવીપાકનું વાવેતર કર્યું હતું.
પરંતુ વાવેતર કર્યા બાદ અચાનક તંત્ર દ્વારા કોઈપણજાતની જાણ વગર પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જે મુદ્દે થોડા દિવસો પહેલા ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે સીંચાઈ વિભાગની કચેરીએ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરી હતી પરંતુ કોઈપણ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. આથી મુળીના વડધ્રા ગામે મુળી સહિત થાન તાલુકાના ૨૦થી વધુ ગામોના ખેડૂતો સીંચાઈ માટે પાણી આપવા બાબતે એકત્ર થયા હતા.
જ્યાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં તંત્ર દ્વારા પાણી પુરૂ પાડવામાં નહીં આવે તો પાંચ દિવસ બાદ બન્ને તાલુકાના તમામ ગામોમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના પોસ્ટર લગાવવાની તેમજ ગામે ગામ જઈ ભાજપના નેતાઓનું વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.