મુળી ખાતે ખેડુત આગેવાનોની બેઠક યોજાઈ, આંદોલનની ચિમકી
- 45 ગામોના ખેડુતો અને આગેવાની હાજરી
- સીંચાઈનું પાણી, ખેડુતોના દેવા માફી અને એમ.એસ.પી. સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી
સુરેન્દ્રનગર : તાજેતરમાં સરકાર દ્વારા જીલ્લાના મુળી, વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકાના ૪૫ ગામોને સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પાણી પુરૂ પાડવાની જાહેરાતો કરી તેનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું .પરંતુ મુળી તાલુકામાં મોટાભાગે તળાવો ખુબ જ નાના હોય આ યોજના દ્વારા પણ પાણીથી ભરવામાં આવે તો કોઈ જ ફાયદો થઈ શકે તેમ નથી જે મામલે મુળી ખાતે ખેડુત આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં ૪૫ ગામોના આગેવાનો અને ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતાં.
લોકસભાની ચુંટણી પહેલા કરોડોના ખર્ચે મુળી, વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકાના ૪૫ ગામોને પાણી પુરૂ પાડવા માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે યોજના અંતર્ગત મુળી તાલુકાના ૨૫ તળાવો પાણીથી ભરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જ્યારે ૨૫ તળાવો પૈકી ૨૦ તળાવની ક્ષમતા ખુબ જ ઓછી હોવાથી માત્ર પશુઓને જ પાણી મળી રહેશે .
જ્યારે ગ્રામજનોને પાણી માટે હાલાકી પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે જ્યારે તાલુકાના બે તળાવ જ મોટા હોવાથી અનેક ગામોને આ યોજનાનો લાભ મળશે નહિં જે અંગે મુળી ખાતે ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી જેમાં સરકારની આ યોજનાને ચુંટણીલક્ષી લોલીપોપ હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા.
તેમજ મુળી તાલુકામાં ચારેય દિશામાં વધુ ક્ષમતા ધરાવતા મોટા અને ઉંડા તળાવો બનાવવામાં આવે અને જે તળાવો ઉપલબ્ધ છે ત્યાં એકથી વધુ તળાવ પાણીથી ભરવાની મંજુરી આપવામાં આવે તેવી માંગ કરી હતી હાલ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી મુળી તાલુકાના માત્ર પાંચ ટકા ખેડુતોને પણ ફાયદો થઈ શકે તેમ નથી.
આ ઉપરાંત સીંચાઈનું પાણી, ખેડુતોના દેવા માફી અને એમ.એસ.પી.નો કાયદો સહિતની માંગો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને યોગ્ય ઉકેલ નહિં આવે તો આગામી દિવસોમાં આ ત્રણ માંગો સાથે ખેડુતો આક્રમક કાર્યક્રમો આપશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. આ તકે મોટીસંખ્યામાં મુળી તાલુકાના અલગ-અલગ ગામોના ખેડુત આગેવાનો, ખેડુતો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.