ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં અવાવરૃ કુવામાંથી શંકાસ્પદ હાલતમાં પુરૃષની લાશ મળી આવી
- મૃતકના માથા પર ઈજાના નિશાન હોવાથી હત્યા નીપજાવી હોવાની આશંકાઓ
- પ્રાથમીક તપાસમાં મૃતક નાની મોલડીના અને ત્રણ દિવસથી લાપતા હોવાનું સામે આવ્યું
- ચોટીલા પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામ પાસે અવાવરૃ જગ્યામાં આવેલ કુવામાંથી એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે જે અંગેની જાણ થતાં ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલાના મોટી મોલડી વિસ્તારમાં આવેલ ઠાંગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ એક અવાવરૃ કુવામાં એક પુરૃષની શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકો સહિતનાઓ ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસે જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક પુરૃષ નાની મોલડી ગામે રહેતા ભુપતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું તેવો છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવ્યા નહોતા અને લાપતા હતા જે મામલે જે તે સમયે પરિવારજનોએ પોલીસ મથકે જાણ પણ કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢતા માથા પર ઈજાના નીશાન જોવા મળ્યા હતા આથી કોઈ અજાણ્યા શખ્સોએ ભુપતભાઈએ હત્યા નીપજાવી કુવામાં ફેંકી દીધું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે હાલ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.