રતનપર મેક્સન સર્કલ પાસે રિક્ષામાં દેશી દારૃની હેરફેર કરતો શખ્સ ઝડપાયો
- દેશી દારૃ, રિક્ષા સહીત રૃ. 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત
- પોલીસે મીયાંણાવાડમાં રહેતી મહિલા અને ડોળીયાના શખ્સ સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : રતનપર મેક્સન સર્કલ પાસે રિક્ષામાં દેશી દારૃની હેરફેર કરતો શખ્સ ઝડપાયો છે. પોલીસે આરોપી પાસેથી દેશી દારૃ, રિક્ષા, મોબાઇલ સહીત કુલ રૃપિયા ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.
જોરાવરનગર પોલીસ મથક હેઠળ આવતા રતનપર વિસ્તારમાં મેક્સન સર્કલ પાસેથી એક રિક્ષામાં મોટા પ્રમાણમાં દેશી દારૃની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી રિક્ષા પસાર થતાં જોરાવરનગર પોલીસે રિક્ષાને અટકાવી તલાશી લેતા રિક્ષામાંથી ૩૦૦ લીટર દેશી દારૃ (કિં.રૃ. ૬૦ હજાર) તેમજ એક મોબાઇલ અને રિક્ષા સહીત કુલ રૃપિયા ૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે રિક્ષાચાલક અબ્દુલ હબીબભાઇ સામતાણીને ઝડપી લીધો હતો. આરોપી અબ્દુલ હબીબભાઇ સામતાણીની પુછપરછ કરતા દેશી દારૃનો જથ્થો સુરેન્દ્રનગર મીયાંણાવાડમાં રહેતા જાહિરાબેન ઉર્ફે મુન્નીબેન હબીબભાઇ માણેકે મંગાવ્યો હોવાની અને આ દેશી દારૃ ડોળીયા બાઉન્ડ્રી પાસેથી લાલાભાઇ નામના શખ્સે ભરી આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણેય શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.