પીપળીયા-ભેટસુડાની સીમમાં શખ્સે ખેડૂતને મારમાર્યો
- સીમ માર્ગ પર ચાલવા બાબતના કેસનું મનદુઃખ રાખી હુમલો કર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : પીપળીયા-ભેટસુડા ગામની સીમ પાસે ખેતીની જમીનના શેઢા પર બનાવેલા રસ્તામાં ચાલવા બાબતના કેસનું મનદુઃખ રાખી એક શખ્સને માર મારી ધમકી આપી હોવાની નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટના જસદણ ખાતે રહેતા અને ચોટીલાના ભેટસુડા ગામની સીમમાં ખેતીની સંયુક્ત જમીન ધરાવતા ફરીયાદી માવજીભાઈ સવશીભાઈ સાકરીયા જમીન ખેડવા બળદો સાથે ચાલીને ખેતરે જઈ રહ્યા હતા. ત્યારે પીપળીયા-ભેટસુડા ગામની સીમ પાસે પહોંચતા પીપળીયા (ઢો) ગામમાં રહેતા વલ્લભભાઈ મેરામભાઈ રોજાસરાએ બાઈક લઈને આવી ફરિયાદીને ખેેતરના રસ્તે નહિં જવાનું જણાવી પાટુ મારી મુંઢ માર માર્યો હતો અને પરત જતું રહેવાનું જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ અંગે ફરિયાદીએ નાની મોલડી પોલીસ મથકે વલ્લભભાઈ રોજાસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં મારમારનાર વલ્લભલાઈના સુખાભાઈના ખેતરના શેઢા ઉપર પીપળીયા(ઢો) તથા ભેટસુડા ગામનો સીમ માર્ગ આવેલો છે જ્યાંથી ફરિયાદી અને તેમના કુટુંમ્બીજનો પસાર થાય છે. જે રસ્તા બાબતે છેલ્લા એક વર્ષથી ચોટીલા મામલતદાર કચેરીમાં કેસ ચાલી રહ્યો છે. જે બાબતનું મનદુઃખ રાખી માર માર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.