મોટા મઢાદમાં રૂ. 2.70 કરોડની 68,118 મેટ્રિક ટનની ખનીજ ચોરીની ફરિયાદ

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
મોટા મઢાદમાં રૂ. 2.70 કરોડની 68,118 મેટ્રિક ટનની ખનીજ ચોરીની ફરિયાદ 1 - image


- ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડયો

- ગેરકાયદે ખનન કરવા બાબતે ફૂલગ્રામના શખ્સ સામે ગુનો નોંધાયો 

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ખાણખનીજ વિભાગે દરોડો કર્યો હતો. જેમાં સ્થળ પર માપણીની કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફીયાઓએ ગેરકાયદેસર ખનન કરી  રૂા.૨.૭૦ કરોડની ૬૮,૧૧૮ મેટ્રીક ટન ખનીજ ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. આથી ખાણખનીજ વિભાગ દ્વારા જોરાવરનગર પોલીસ મથકે ખનીજ ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોટા મઢાદ ગામની સીમમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન થતુ હોવાની ફરીયાદો ઉઠતા ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા મોટા મઢાદ ગામની સીમમાં દરોડો કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કુલ કેટલા રૂપિયાની અને કેટલા મેટ્રિક ટન ખનીજની ચોરી કરવામાં આવી છે તે અંગે ખાણની માપણીની કાર્યવાહી હાથ ધરી હતી. 

જેમાં સ્થળ પર તપાસ કરતા કુલ ૬૮,૧૧૮ મેટ્રિક ટન ખનીજ જેની કિંમત રૂા.૨.૭૦ કરોડની ખનીજ ચોરી થઇ હોવાની વિગતો બહાર આવી હતી. આથી ખાણખનીજ વિભાગના અધિકારી સાહિલભાઇ પટેલ દ્વારા ખનીજ ચોરી મામલે ફુલગ્રામના રમેશ જેરામભાઇ ડાબરા તેમજ તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે રૂા.૨.૭૦ કરોડની ખનીજ ચોરી અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ આજ જગ્યાએ ખનીજચોરી બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો

મોટા મઢાદ ગામની સીમમાં વારંવાર ખનન માફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજસંપત્તીનું ખનન કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરોડોનો દંડ ફટકાર્યા બાદ તેની વસુલાત પણ નથી થઈ ત્યાં ફરી તેજ જગ્યાએ કરોડો રૂપિયાની ખનીજચોરી ઝડપાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

મોટા માથાઓને બચાવવા પ્રયાસ કરાતો હોવાના આક્ષેપ

મોટા મઢાદમાં રૂા. ૨.૭૦ કરોડથી વધુની ખનીજ ચોરી મામલે ફુલગ્રામના એક શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે પરંતુ ગેરકાયદેસર ખનીજચોરીમાં વગ ધરાવતા અને મોટા માથાઓ સંડોવાયેલ હોવાના આક્ષેપો ઉઠયાં છે. તેમજ સમગ્ર મામલો દબાવવા માત્ર એક જ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.



Google NewsGoogle News