થાનના ખાખરાથળ ગામે કોલસાની ખાણમાં મજૂરનું મોત

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
થાનના ખાખરાથળ ગામે કોલસાની ખાણમાં મજૂરનું મોત 1 - image


- કાર્બોસેલના ગેરકાયદે ખોદકામનો કિસ્સો

- બેદરકારીથી મોતનો વધુ એક બનાવ, જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી

સુરેન્દ્રનગર : થાન તાલુકાના ખાખરાથળ ગામની સીમમાં ગેરકાયદે કોલસાની ખાણમાં એક મજૂરનું મોત થયું હોવાની વિગતો બહાર આવી છે. જોકે આ મામલે હજુ સુધી કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. મુળી ગામના ભેટ ગામે તાજેતરમાં જ કોલસાની ખાણમાં ગેસ ગળતરથી ત્રણ મજૂરોના મોત થયા હતા. આ ચકચારી કિસ્સા બાદ ગેરકાયદે કોર્બોસેલના ખોદકામનો મામલો ગરમાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને ચોટીલા તાલુકામાં ભુમાફીયાઓ દ્વારા મોટાપાયે ખનીજનું ગેરકાયદે ખનન અને વહનના બનાવો વધી રહ્યાં છે. 

ખાખરાથળ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં ખાખરાથળ ખાતે રહેતા અંદાજે ૩૭ વર્ષના દેવશીભાઈ ભલાભાઈ રોજાસરાનું મંગળવારે મોડીરાત્રે મોત થયું હોવાની વિગતો સ્થાનિકોમાંથી જાણવા મળે છે.  જેની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા પરંતુ મૃતક શ્રમીક માનસીક રીતે અસ્થિર હોવાનું જણાવી પીએમ કર્યા વગર જ મામલો રફેદફે કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. 

 લાશને પરિવારજનોને સોંપવામાં આવતા અંતીમવિધિ પણ કરી નાંખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ  મૃતકના પરિવારજનોને ભુમાફીયાઓ દ્વારા રૂા.૪ લાખ જેટલી રકમ ચુકવી મામલો રફેદફે કર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. 

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં થાન, મુળી અને સાયલા તાલુકામાં છેલ્લા છથી સાત માસમાં ગેરકાયદે ખનન દરમિયાન અંદાજે ૨૦થી વધુ શ્રમીકોના મોત નીપજી ચુક્યા છે. તેમજ તાજેતરમાં મુળીના ભેટ ગામે ખોદકામ દરમિયાન ત્રણ શ્રમીકોના મોત મામલે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

જે બનાવને હજુ ત્રણથી ચાર દિવસ જ થયા છે, ત્યારે વધુ એક શ્રમીકનું મોત નીપજ્યું છે. પરંતુ તંત્ર દ્વારા માનસીક અસ્થિર હોવાનું જણાવી સમગ્ર મામલે ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે પોલીસ કે વહિવટી તંત્ર દ્વારા પણ કોઈ જ પુષ્ટી કરવામાં આવી નથી તેમજ ફરિયાદ પણ નોંધાઈ નથી.



Google NewsGoogle News