પાટડીમાં પિતાએ છરી વડે પુત્ર અને પુત્રવધુ પર હુમલો કર્યો
- ભોગ બનનાર પુત્રએ પિતા સામે નોંધાવી ફરિયાદ
- કામ નહિં કરી પુત્ર પાસે વારંવાર રૃપિયા માંગતા છરીના ઘા ઝીંક્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે મારામારી અને જીવલેણ હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે પાટડી શહેરી વિસ્તારમાં પિતા દ્વારા પુત્ર અને પુત્રવધુ પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ ભોગ બનનાર પુત્રએ પાટડી પોલીસ મથકે નોંધાવતા પોલીસે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
પાટડીના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી રમેશભાઈ રાવળ પિતા તેમજ પત્ની અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે તેમજ કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જે દરમ્યાન ફરિયાદીને રજા હોય ઘરે હતા ત્યારે પિતા રણછોડભાઈ જે કામધંધો કરતા ન હોય પુત્ર પાસે આવી વાપરવા માટે રૃપિયા માંગ્યા હતા જે બાબતે ઝઘડો થતાં પિતા ગામમાં જતા રહ્યાં હતાં .
અને ત્યારબાદ ફરી સાંજના સમયે ઘરે આવી પુત્ર પાસે રૃપિયાની માંગ કરતા પુત્રએ પોતે કામધંધો નહિં કરતા હોવાનું અને પુત્રની કમાણીના રૃપિયા વાપરતા હોવાનું જણાવતા પિતા રમેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પુત્રને ગાળો આપી ઝપાઝપી કરી હતી.
તેમજ પુત્રના ડાબી બાજુના પડખામાં છરીનો ઘા ઝીંક્યો હતો તે વખતે પત્નિ વચ્ચે પડતા પત્નિ સોનલબેનને પણ છરીનો ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે પ્રથમ પાટડી અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં .
જે મામલે ભોગ બનનાર પુત્રએ પિતા રણછોડભાઈ ભીખાભાઈ રાવળ સામે જીવલેણ હુમલો તેમજ ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.