વડોદના ખેડૂતે લીલી હળદરનું પ્રાકૃતિક રીતે વાવેતર કરી 8 લાખની આવક મેળવી
- 12 વર્ષથી પરંપરાગત પાકોનું વાવેતર છોડી
- 7 વીઘા જમીનમાં વાવેતર કરી 100 મણથી વધુ લીલી હળદરનું ઉત્પાદન મેળવ્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. ધીરે ધીરે ઝાલાવાડના ખેડૂતો પરંપરાગત પાકોને બદલે પ્રાકૃતિક અને મૂલ્યવર્ધક ખેતી તેમજ વાવેતર તરફ વળ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના વડોદ ગામના ખેડૂત કાળુભાઇ પટેલે પરંપરાગત ખેતી છોડી પોતાની જમીનમાં લીલી હળદરનું વાવેતર કરી તેનું મૂલ્યવર્ધન કરી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
વડોદ ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રગતિશીલ ખેડૂત કાળુભાઇ પટેલ વર્ષોથી કપાસ, જીરું, એરંડા સહિતના પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ દર વર્ષે આ તમામ પાકોમાં રોગ આવી જતા અને પૂરતું ઉત્પાદન તેમજ ઊંચા ભાવો ન મળતા હાલત કફોડી બની ગઈ હતી.
જે દરમિયાન ખેડૂત કાળુભાઈ વર્ષ ૨૦૧૨માં જૂનાગઢ ખાતે યોજાયેલા કૃષિ મેળામાં ગયા હતા અને ત્યાં આવેલા અન્ય ખેડૂત દ્વારા કરેલા લીલી હળદરની પ્રાકૃતિક વાવેતર અને તેનાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન મેળવી વર્ષ ૨૦૧૨માં જ પરંપરાગત વાવેતર છોડી પોતાની અંદાજે ૭ વીઘાથી વધુ જમીનમાં લીલી હળદરનું પ્રાકૃતિક વાવેતર કરવાનુ શરૂ કર્યું હતું અને ત્યારથી લઇ અત્યાર સુધી એટલે કે છેલ્લા ૧૨ વર્ષથી પ્રાકૃતિક વાવેતર કરી રહ્યા છે.
દર વર્ષે કાળુભાઇ ૮ મહિનાની સીઝનમાં લીલી હળદરનું અંદાજે ૧૦૦ મણ જેટલુ ઉત્પાદન મેળવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ કાળુભાઈએ અંદાજે ૧૧૦ મણથી વધુ લીલી હળદરનું ઉત્પાદન દ્વારા અંદાજે ૮ લાખ જેટલી આવક પણ મેળવી છે.
જ્યારે કાળુભાઈ પટેલે કરેલી પ્રાકૃતિક લીલી હળદરના વાવેતર થી પ્રેરણા લઈ વડોદ સહિત આસપાસના ગામોના અનેક ખેડૂતો તેમની પાસે માર્ગદર્શન લેવા આવે છે અને લીલી હળદરના વાવેતર થી થતા ફાયદાઓ જાણી પોતાની જમીનમાં પરંપરાગત પાકોનુ વાવેતર છોડી લીલી હળદર સહિતના પ્રાકૃતિક અને મૂલ્યવર્ધક વાવેતર તરફ વળ્યા છે.