Get The App

દસાડા તાલુકાના વડગામની સીમમાં જુગારધામ ઝડપાયું

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
દસાડા તાલુકાના વડગામની સીમમાં જુગારધામ ઝડપાયું 1 - image


- એલસીબી પોલીસે જુગાર રમતા 8 શખ્સોને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

- સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ દરોડો કરતા સ્થાનીક પોલીસ સામે સવાલો

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના વડગામની સીમમાં વાડીના શેઢે ધમધમતું જુગારધામ એલસીબી પોલીસે ઝડપી પાડયું હતું જુગાર રમી રહેલા ૮ શખ્સોને રોકડ રકમ તેમજ મોબાઈલ અને વાહનો સહિત કુલ રૃા.૯,૩૫,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમ્યાન ૪ શખ્સો એલસીબી પોલીસને હાથતાળી આપી નાસી છુટયા હતા. સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે જુગારધામ ઝડપી પાડતા દસાડા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

દસાડા તાલુકાના વડગામ-આદરીયાણા ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે વાડીના શેઢે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પરીક્ષીતસિંહ ઝાલા, દશરથભાઈ ધાંધર, યશપાલસિંહ રાઠોડ, કિશનભાઈ ભરવાડ સહિતની ટીમે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા નસીબખાન હસનઅલી ખોખર, અર્જુદ્દીનભાઈ હસુભાઈ કુરેશી, મંગાભાઈ રાયધનભાઈ રાવળ, ઈસ્માઈલભાઈ ઉસ્માનભાઈ કછોટ, રાજેન્દ્રગીરી ખીમગીરી ગોસ્વામી, જાકીરભાઈ હૈયાતખાન સોલંકી, સંજયકુમાર ઉર્ફે કિરણ જગાજી ઠાકોર અને અલેપખાન મહંમદખાન મલેકને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૃા.૪૫,૫૦૦, મોબાઈલ ફોન નંગ-૮ કિંમત રૃા.૪૦,૦૦૦, બે બાઈક કિંમત રૃા.૧,૦૦,૦૦૦, એક-રીક્ષા કિંમત રૃા.૫૦,૦૦૦ અને એક કાર કિંમત રૃા.૭ લાખ સહિત કુલ રૃા.૯,૩૫,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે દરોડા દરમ્યાન બીલાલભાઈ રસુલભાઈ ચૌહાણ, ગીરીશભાઈ વશરામભાઈ રથવી, કરણસિંહ ઉદુભા ઝાલા અને એક બાઈકનો ચાલક એલસીબી પોલીસને હાથતાળી આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. એલસીબી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી દસાડા પોલીસ મથકે તમામ શખ્સો વિરૃધ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનીક દસાડા પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે મસમોટો જુગારધામ ઝડપી લેતા સ્થાનીક દસાડા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે અને આ દરોડા બાદ જીલ્લા પોલીસવડા દ્વારા આ મામલે સ્થાનીક પોલીસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે.



Google NewsGoogle News