પાટડીના તત્કાલીન નાયબ કલેક્ટર સામે આવક કરતા વધુ સંપતીનો ગુનો નોંધાયો
- વર્ષ 2018 માં પાટડીમાં ફરજ બજાવતા હતા
- કુલ આવક કરતા 88.84 લાખની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે વર્ષ ૨૦૧૮માં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી વિરૂધ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે આવક કરતા વધુ સંપત્તિ અંગેની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કુલ આવક કરતા રૂા.૮૮.૮૪ લાખની મિલકત અને સંપત્તિ હોવાની વિગતો બહાર આવતા સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટડી ખાતે વર્ષ ૨૦૧૮ માં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર ચતુરભાઇ વસાવા વિરૂધ્ધ આવક કરતા વધુ સંપત્તિ હોવા અંગે એસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૮ દરમિયાન સુનિલકુમારને સરકાર તરફથી મળેલો પગાર, ભથ્થાઓ સહીતની બાબતો તેમજ બેંક એકાઉન્ટ અને અન્ય સ્થાવર તેમજ જંગલ મિલકતો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં તેમની કુલ આવક ૧૫૮.૩૩ લાખ રૂપિયા થવી જોઇએ તેના બદલે સુનિલ વસાવા પાસે ૨૪૭.૧૮ લાખ રૂપિયાની કુલ મિલકત હોવાની વિગતો બહાર આવી હતી. આમ કુલ આવક કરતા રૂા.૮૮.૮૪ લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનુ એસીબી ટીમના ધ્યાને આવતા તત્કાલીન નાયબ કલેક્ટર સુનિલકુમાર વસાવા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધી એસીબી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.