રેવન્યુ રેકર્ડ મામલે પડતી હાલાકીને લઇને કલેક્ટરને આવેદનપત્ર અપાયું
- રેવન્યુ બાર એસોશિએશને રજૂઆત કરી
- પ્રોપર્ટી કાર્ડ મેળવવામાં દસ્તાવેજ, બીન ખેતીનો હુકમ, પ્લાન, બાંધકામ સહિતની ખરી નકલો માંગતા ખાતેદારોને હાલાકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે રેવન્યુ બાર એસોશીએસનના હોદ્દેદારોએ આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી જેમાં રેવન્યુ રેકર્ડ બાબતે પડતી હાલાકી અંગે રજુઆતો કરી હતી અને યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી.
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તાર તેમજ જીલ્લાના ચોટીલા, લીંબડી, લખતર, ધ્રાંગધ્રા, પાટડી, ચુડા, થાન સહિતના તાલુકાઓમાં અમુક જગ્યાએ સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ અમલમાં છે જ્યારે અમુક જગ્યાએ રેવન્યુ રેકર્ડ ગામ નમુના નંબર-૨ અમલમાં છે અને અહિંના તમામ લોકોને તેમની માલીકીના આધારે જેતે ગ્રામ પંચાયત દ્વારા ગામ નમુના નંબર-૨ આપવામાં આવે છે .
જ્યારે સરકારના પરીપત્ર મુજબ તલાટીની કચેરી ગ્રામ પંચાયત દ્વારા નીભાવવામાં આવતું બિનખેતી રેવન્યુ રેકર્ડ ગામ નમુના નંબર-૨ સીટી સર્વે કચેરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે સોંપવાનો નિર્ણય લેવાયો છે .
જેના ભાગરૂપે શહેરી વિસ્તારની મોટાભાગની સોસાયટીઓ, કસ્બા કે વિસ્તારનું જીલ્લાના અલગ-અલગ તાલુકાના રેવન્યુ રેકર્ડ ગામ નમુના નંબર-૨ સુરેન્દ્રનગર સીટી સર્વે તેમજ તાલુકા સીટી સર્વે કચેરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવા સોંપી દીધેલ છે જેમાં લાખો ખાતાઓ છે.
જ્યારે દુધરેજ, રતનપર, વઢવાણ વિસ્તારની સોસાયટીઓ તેમજ જીલ્લાના તમામ તાલુકાઓના લોકો જેઓ તલાટીની કચેરી ગ્રામ પંચાયત દ્વારા નીભાવવામાં આવતું બિનખેતી રેવન્યુ રેકર્ડ ગામ નમુના નંબર-૨ પહેલેથી જ ધરાવે છે. આથી તેઓ જ્યારે સીટી સર્વે અથવા તાલુકા સીટી સર્વે કચેરી ખાતે પ્રોપર્ટી કાર્ડ લેવા જાય ત્યારે કચેરી દ્વારા તેમની પાસેથી અગાઉના થયેલા તમામ ઉતરોત્તર લે-વેચના દસ્તાવેજોની ખરી નકલ, બીન ખેતીનો હુકમ, લે-આઉટ પ્લાન, સબ પ્લોટીંગ પ્લાન, બાંધકામ પ્લાન વગેરેની ખરી-નકલો માંગવામાં આવે છે .
અને આ તમામ કાગળો રજુ કર્યા બાદ જ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે ત્યારે આવી ખરી નકલો શોધી રજુ કરવા માટે સમય બગડે છે તેમજ મોટો ખર્ચ પણ થાય છે જેના કારણે ખાતેદારોને મુશ્કેલીઓ પડી રહી છે તેમજ આમ તેમ ભટકવાનો વારો આવી રહ્યો છે. આથી સમગ્ર જીલ્લામાં મિલ્કતોના લે-વેચાણના સોદા અટકી પડયા છે અને સરકારને પણ સ્ટેમ્પ ડયુટી તેમજ નોંધણી ફીની રોજની કરોડોની આવક ગુમાવવી પડી છે. આથી રેવન્યુ રેકર્ડ ગામ નમુના નંબર-૨ માં હાલમાં છેલ્લું જે વ્યક્તિનું નામ ચાલતું હોય ત્યાં સુધીનું રેકર્ડ સીટી સર્વે કચેરી દ્વારા જુના ગ્રામ પંચાયતના રેકર્ડના આધારે તૈયાર કરવામાં આવે અને તાજુ જે રેકર્ડ હોય તેને માન્ય ગણવામાં આવે તેવી માંગ કરી હતી. આ તકે વકીલ બાર એસોશીએસનના ઘનશ્યામસિંહ ઝાલા, જીલ્લા નોટરી એસોશીએસનના રવિન્દ્રસિંહ ચુડાસમા સહિત રેવન્યુ બાર એસોશીએસનના હોદ્દેદારો, વકીલો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.