ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે 05 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો
- સમસ્ત ઠાકોર સમાજ દ્વારા રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું
- દુષ્કર્મ આચરનાર આધેડને ફાંસીની સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી ચાર્જશીટ રજુ કરવાની માંગ
- મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં મહિલાઓ તેમજ સગીરા પર દુષ્કર્મ અને છેડતીના બનાવો વધી રહ્યા છે અને નરાધમોને કોઈનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે થોડા દિવસો પહેલા ૦૫ વર્ષની બાળકી પર ૪૦ વર્ષના આધેડ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા જીલ્લા પંચાયત ખાતે થી કલેકટર કચેરી સુધી રેલી યોજી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી અને દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા આપવા સહિતની માંગ કરી હતી.
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે ઘર પાસે રમી રહેલ એક પાંચ વર્ષની બાળકી પર થોડા દિવસો પહેલા અંદાજે ૪૦ વર્ષના આધેડ મુકેશ ઉર્ફે મુન્ના તેજાભાઇ બારોટ દ્વારા બાળકીને પાસે બોલાવી રિક્ષામાં આંટો મરાવવાની લાલચ આપી દૂર નાળામાં લઈ જઈ દુષ્કર્મ આચરતા બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો સહિતના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને દુષ્કર્મ આચરનાર આધેડને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ભોગ બનનાર બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ૦૫ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મના બનાવથી ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને માત્ર ઠાકોર સમાજ જ નહિ પરંતુ અન્ય સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દુષ્કર્મના આ બનાવને સમસ્ત ઠાકોર સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢયો હતો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી થી કલેકટર કચેરી ખાતે રેલી યોજી ઝડપાયેલ દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા આપવાની તેમજ આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક ચાર્જશીટ રજૂ કરવામાં આવે સહિતની માંગો સાથે કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ ન્યાય આપો. ન્યાય આપો અને દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા આપો સહિતના સૂત્રોચ્ચાર કરી રોષ દાખવ્યો હતો. આ તકે સમસ્ત જીલ્લા ભરમાંથી ઠાકોર સમાજના હોદેદારો, આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.