વઢવાણમાં જમીન પચાવી પાડવાના કેસમાં ચાર શખ્સો સામે લેન્ડ ગ્રેબ્રિંગનો ગુનો નોંધાયો
- કલેક્ટરમાં અરજી બાદ પોલીસ કાર્યવાહી
- વર્ષ 2017 થી ગેરકાયદેસર કબજો કરી ઓરડીઓ તેમજ મંદિર બનાવી દીધું હતું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર દુધની ડેરી સામે આવેલ કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ૪ શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૭ થી ગેરકાયદેસર કબજો કરી ઓરડીઓ તેમજ મંદિર બનાવી દેવામાં આવ્યું હતું. ત્યારે આ જમીનના માલિક દ્વારા ચારેય શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે બિ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર દુધની ડેરી સામે આવેલ અંદાજીત ૧ હેક્ટરથી વધુ જમીન અમદાવાદમાં રહેતા મનુભાઇ મંગળદાસ શાહની સંયુક્ત માલિકીની છે આ જમીન પર ચાર શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૭ થી ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો . અને જમીન માલિક દ્વારા વારંવાર કહેવ છતાં ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિઓ દ્વારા જમીન ખાલી કરવામાં આવતી નહોતી તેમજ આ જમીન પર ચાર ઓરડીઓ અને એક મંદિરનું પણ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર કબજો કરનાર શખ્સો દ્વારા જમીન ખાલી કરવામાં ન આવતા અંતે જમીન માલિક દ્વારા ચારેય શખ્સો વિરૂધ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી હતી.
અને લેન્ડ ગ્રેબીંગ કમિટી દ્વારા આ મામલે જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર જગદીશભાઇ બચુભાઇ કાવેઠીયા, મહેશભાઇ બચુભાઇ કાવેઠીયા, અરવિંદભાઇ બચુભાઇ કાવેઠીયા અને બચુભાઇ પોપટભાઇ કાવેઠીયા વિરૂધ્ધ બિ-ડિવિઝન પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા ચારેય શખ્સો વિરૂધ્ધ બિ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.