Get The App

ચોટીલાના સાંગાણી ગામે પશુપાલક પર ફાયરીંગનો મામલો

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ચોટીલાના સાંગાણી ગામે પશુપાલક પર ફાયરીંગનો મામલો 1 - image


- ભોગ બનનાર પશુપાલકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી

- ફાયરીંગ કરનાર શખ્સ એપીએમસીમાં હોદ્દેદાર હોવાની ચર્ચાઓ

- રાજકીય હોદ્દેદાર હોવાથી પોલીસની કામગીરી સામે સૌની મીટ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામે પશુપાલક યુવક પર ફાયરીંગનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે મામલે ભોગ બનનાર પશુપાલકે ચોટીલા પોલીસ મથકે રાજકીય હોદ્દેદાર સહિત પાંચ શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે વધુ તપાસ હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલાના સાંગાણી ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફરિયાદી ગોપાલભાઈ મયાભાઈ ટોળીયા (ભરવાડ)ના ભાઈ રણછોડભાઈ મયાભાઈ ડોળીયા રાબેતા મુજબ માલઢોર ચરાવવા જઈ રહ્યાં હતાં જેદરમ્યાન કાંધાસર ગામના પાટીયા પાસે ચોટીલા ખાતે રહેતા સીધ્ધાર્થભાઈ જકાભાઈ કાઠીની કાર ગાય સાથે અથડાતા સીધ્ધાર્થભાઈ સહિત સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રણછોડભાઈ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. જે દરમ્યાન રણછોડભાઈએ ફરિયાદીને બોલાવતા ફરિયાદી ગોપાલભાઈ આવી પહોંચ્યા હતા અને મારમારતા બચાવ્યા હતા ત્યારે ફરિયાદીને પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ચોટીલા ખાતે રહેતા અને એપીએમસીના હોદ્દેદાર જયરાજભાઈ ભરતભાઈ ધાધલને બોલાવતા તેઓ પોતાની કાર સાથે આવી પહોંચ્યા હતા અને તમામ શખ્સોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ તેમના ભાઈ રણછોડભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તેમજ જયરાજભાઈએ પોતાના પેન્ટના નેફામાંથી પીસ્તોલ (બંદુક) કાઢી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને બે રાઉન્ડ ફાયરીંગ કરી ડાબા હાથે ઈજાઓ પહોંચાડી કાર લઈ નાસી છુટયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ૫શુપાલકને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ (૧) સિધ્ધાર્થભાઈ જકાભાઈ કાઠી દરબાર, રહે.ચોટીલા (૨) જયરાજભાઈ ભરતભાઈ ધાધલ અને ત્રણ અજાણ્યા શખ્સો સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં અને લોકમુખે થતી ચર્ચા મુજબ પશુપાલક પર ફાયરીંગ કરનાર શખ્સ એપીએમસીમાં મહત્વનો હોદ્દો ધરાવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીઓને ક્યારે ઝડપી પાડવામાં આવે છે ? અને રાજકીય હોદ્દો ધરાવતા આરોપી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.



Google NewsGoogle News