ચોટીલા-થાન રોડ પર આવેલ જીનના માલીકો દ્વારા છેતરપીંડીનો મામલો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ચોટીલા-થાન રોડ પર આવેલ જીનના માલીકો દ્વારા છેતરપીંડીનો મામલો 1 - image


- ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી

- કોલ ડિટેલ, બેન્ક ડિટેલ, સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા

- અન્ય ભોગ બનનાર ખેડુતોને પણ સામે આવી પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો

સુરેન્દ્રનગર : ચોટીલા-થાન રોડ પર આવેલ શ્રી સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી.(જીન)ના માલીકો દ્વારા ખેડુતો સાથે કપાસ લીધા બાદ તેની રકમ નહિં ચુકવી છેતરપીંડીનો મામલો સામે આવ્યો હતો જેમાં ચોટીલા પોલીસ મથકે તાજેતરમાં ૫૪ ખેડુતોએ રાજકોટ ખાતે રહેતા પાંચ જીન માલીકો સામે કરોડો રૃપિયાની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે પોલીસે ફરિયાદના આધારે નાસી છુટેલ જીન માલીકોને શોધવા અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા-થાન રોડ પર આવેલ શ્રી સિધ્ધનાથ જીનના પાંચ માલિકો દ્વારા ચોટીલા તાલુકાના અલગ-અલગ ગામો સહિત અન્ય તાલુકાઓ અને જીલ્લાઓમાંથી ખેડુતોને કપાસના ઉંચા ભાવો આપવાની લાલચ આપી કપાસની ખરીદી કરતા હતા શરૃઆતમાં જીન માલીકો ખેડુતોને કપાસના વેચાણના પુરતા ભાવો સમયસર ચુકવી દેતા હતા પરંતુ છેલ્લા એક-દોઢ વર્ષથી ખેડુતોએ કપાસ વેચ્યા બાદ તેની રકમ નહિં ચુકવતા ખેડુતોએ હોબાળો મચાવ્યો હતો અને ઉધરાણી કરતા જીન માલીકો જીનને તાળુ મારી નાસી છુટયા હતા જે મામલે ચોટીલા પોલીસ મથકે ચોટીલા, સાયલા, વીંછીયા, જસદણ સહિતના તાલુકાના ભોગ બનનાર ૫૪ ખેડુતોએ પાંચ જીન માલીકો સામે રૃા. ૨.૯૮ કરોડની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખેડુતોની ફરિયાદના આધારે નાસી છુટેલ જીન માલીકોને ઝડપી પાડવા તપાસ હાથધરી જેમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. તમામ પાંચ જીન માલીકોના કોલ ડિટેલ, બેંક ડિટેલના આધારે હાલ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ ખાતે તેઓના રહેણાંક વિસ્તારો, તેની આસપાસના સીસીટીવી કેમેરા સહિત નજીકના વિસ્તારોમાં લોકોની પુછપરછ હાથધરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી તમામ જીન માલીકો નાસતા ફરી રહ્યાં છે જેમને ઝડપી પાડવા પોલીસે કવાયત તેજ કરી છે. આ મામલે તપાસ કરનાર લીંબડી ડીવાયએસપી તેમજ ચોટીલા પીઆઈના જણાવ્યા મુજબ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૃ કરી છે અને થોડા દિવસોમાં જ ખેડુતો સાથે છેતરપીંડી કરનાર જીન માલીકોને ઝડપી પાડવામાં આવશે. આ ઉપરાંત અન્ય ભોગ બનનાર ખેડુતોને પણ સામેથી આવી કોઈપણ જાતના ડર વગર પોલીસને ફરિયાદ કરવા અનુરોધ કરવા આવી રહ્યો છે.



Google NewsGoogle News