બાબાજીપરા કેનાલ નજીક 1.21 લાખની બીયર ભરેલી કાર ઝડપાઈ
- 6.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- પોલીસે પીછો કરતા કાર રસ્તાની સાઈડમાં ખાબકી, કારચાલક ફરાર
સુરેન્દ્રનગર : લખતર પોલીસે બાબાજીપરા કેનાલ પાસેથી કારનો પીછો કરીને રસ્તાની સાઈડમાં ખાબકેલી કારમાંથી રૂ.૧.૨૧ લાખનો બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે કારચાલક નાસી છુટયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લખતર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાબાજીપરા પાસે આવેલી નર્મદા કેનાલ નજીકથી પસાર થતી એક કાર શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતાં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કાર ભગાવી મુકી હતી.
પોલીસે તેનો પીછો કરતા કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાબકી હતી. જેનો લાભ લઈ ચાલક નાસી છુટયો હતો. જ્યારે પોલીસે કારની તલાસી લેતા તેમાંથી બીયરની બોટલો નંગ ૧,૦૧૧ કિંમત રૂા.૧.૨૧ લાખ તથા કાર મળી કુલ ૬.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે પોલીસે કારમાલિકની ઓળખ તેમજ ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.