પાટડીના સીદ્ધસર ગામેથી બાઈક ચોર ઝડપાયો
- ચોરી કરેલી ચાર બાઈક જપ્ત
- શખ્સ વિરૃદ્ધ અગાઉ વાહનચોરીના ૨૭ ગુના નોંધાયેલા છે
સુરેન્દ્રનગર : પાટડીના સીધ્ધસર ગામના શખ્સને ચોરી કરેલી ચાર બાઈક સાથે સુરેન્દ્રનગર એલસીબીએ ઝડપી પાડયો હતો. શખ્સ વિરૃદ્ધ વાહનચોરીના અગાઉ ૨૭ ગુના નોંધાયા હોવાનું ખુલ્યું હતું. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ દરોડો કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.
સીધ્ધસર ગામે તળાવની પાળ પાસે આવેલી અવાવરૃ જગ્યાએ ચોરીના બાઈક સંતાડયા હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીએ દરોડો કરી મોસીનખાન નસીબખાન મલેક (રહે. સીધ્ધસર)ને અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલી ચાર બાઈક સાથે ઝડપી પાડયો હતો.
તેની પુછપરછ કરતા સાણંદ અને વિરમગામ પોલીસ મથકની હદમાંથી ચાર બાઈક ચોરી હોવાની કબુલાત કરી હતી. પ્રાથમિક તપાસમાં શખ્સ સામે બજાણા, પાટડી, સુરેન્દ્રનગર એ-ડિવિઝન, અમદાવાદ ગ્રામ્ય સહિતના પોલીસ મથકોમાં વાહનચોરીના ૨૭ ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. એલસીબીએ રૃ.૧.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.