વઢવાણના મોટા મઢાદ પાસે ડમ્પરની અડફેટે બાઈક ચાલકનું મોત
- અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર
- પુરપાટ ઝડપે દોડતા ડમ્પરે વધુ એક યુવાનનો ભોગ લેતા લોકોમાં રોષ : કડક કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી છુટયો હતો.
મોટા મઢાદ ગામે રહેતા નરેશભાઈ મકવાણા બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરના ચાલકે બાઈકચાલક યુવકને અડફેટે લેતા યુવક બાઈક પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી છુટયો હતો.
આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો તેમજ ગામના આગેવાનો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને યુવકની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક પરણિત અને બે સંતાનો હોવાનું બહાર આવ્યું છે.
એત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણના મોટા મઢાદ તેમજ નાના મઢાદ ગામ આસપાસ મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપતીનું ખનન અને ડમ્પર મારફતે વહન કરવામાં આવે છે અને મોટીસંખ્યામાં ડમ્પરોની અવર-જવર રહેતી હોય છે, ત્યારે બેફાામ દોડતા વધુ એક ડમ્પરે અડફેટે લેતા યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી બેફામ દોડતા ડમ્પરચાલકો સામે કડક કર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.