લખતરના મફતિયાપરામાં 30 વર્ષીય શ્રમિકનું હાર્ટ એટેકથી મોત

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
લખતરના મફતિયાપરામાં 30 વર્ષીય શ્રમિકનું હાર્ટ એટેકથી મોત 1 - image


- વધુ એક યુવકને હાર્ટએટેક ભરખી ગયો 

- મોડી રાત્રે કપાસની ગાડી ભરી ઘરે બેઠાં હતા ત્યારે તબીયત લથડી હતી

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં દિનપ્રતિદિન હાર્ટએટેકથી મોતના બનાવો વધી રહ્યાં છે, જેમાં પણ ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકના બનાવોમાં ચીંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે લખતર શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે ૩૦ વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત નીપજતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

લખતરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય યુવક સુરેશભાઈ કાનજીભાઈ ઘુઘલીયા ખેતીકામ તેમજ કપાસની ગાડી ભરવાનું મજુરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા. રાત્રિના સમયે કપાસની ગાડી ભરી પોતાના ઘરે બેઠા હતાં, તે દરમિયાન અચાનક તેઓની તબીયત લથડતા ઉલટી કરી જમીન પર ઢળી પડતા તાત્કાલીક પરિવારજનો લખતર સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા.

જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તુટી પડયું હતું. જ્યારે યુવકના મોતથી ત્રણ દિકરી અને એક દિકરો મળી ચાર સંતાનો તેમજ પત્ની નિરાધાર બન્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નાની ઉંમરે હાર્ટએટેકથી મોતના બનાવો વધી રહ્યાં છે, ત્યારે વધુ એક યુવકે હાર્ટએટેકથી જીવ ગુમાવ્યો છે.


Google NewsGoogle News