ધ્રાંગધ્રા - હળવદ રોડ પર જીવંત વીજ વાયર પડતા 10 વર્ષની બાળકીનું મોત
- અન્ય બાળકીને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ
- બંને બાળકી રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે બનેલો બનાવ : પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીના કારણે બાળકીનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોની ન્યાયની માગણી : વીજ તંત્રના અધિકારીઓ અને આગેવાનો દોડી આવ્યા
સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધ્રાંગધ્રા- હળવદ રોડ પર જીવંત વીજ વાયર પડતા ૧૦ વર્ષના બાળકીનું મોત નિપજ્યું હતું. અન્ય બાળકીને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. વીજ તંત્રની બેદરકારીથી બાળકીને જીવ ગુમાવવાની નોબત આવી હોવાનો આક્ષેપ કરાયો છે અને ન્યાયની માગણી કરી છે.
ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની ૧૦ વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે બંને સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જીવતો વીજવાયર બંને બાળકીઓ પર પડતા વીજ શોક લાગવાથી ધ્યાના સોમપુરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકી આ બનાવને લઈ ગભરાઈ ગઈ હતી.
આ અંગેની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને બાળકીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરજ પરના ડોક્ટરે ધ્યાના સોમપુરાને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે અન્ય બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની જાણ થતાં બન્ને બાળકીના પરિવારજનો સગા-સબંધીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત શહેરીજનો મોટીસંખ્યામાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં. તેમજ પીજીવીસીએલ તંત્રના સ્થાનીક અધિકારીઓ પણ આ બનાવને લઈ ઘટના સ્થળ સહિત હોસ્પીટલે આવી પહોંચ્યા હતા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પોતાની દિકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. બાળકીનું મોત નીપજતા વીજતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.