વસ્તડી ગામના 10 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત
- ઝાલાવાડમાં વધુ એક બાળકનું મોત
- ગત અઠવાડિયે શંકાસ્પદ લક્ષણો દેખાતા રાજકોટ સારવારમાં ખસેડાયો હતો
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના વસ્તડી ગામના ૧૦ વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકના અકાળે મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
વસ્તડી ગામની સીમમાં રહેતા એક પરિવારના ૧૦ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા અંદાજે પાંચ દિવસ પહેલા સારવાર અર્થે સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બાળકના સેમ્પલ લઈ રીપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ચાંદીપુરા વાયરસનો ભોગ બનનાર બાળકની સારવાર કારગત ન નિવડતા રીપોર્ટ આવ્યાના બીજે દિવસે સવારે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનો પર આભ તુટી પડયું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પાટડી તાલુકાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું હતું. ત્યારે વધુ એક બાળકનું મોત નીપજતા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મોતની સંખ્યા બે ઉપર પહોંચી છે. જેથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ગામમાં સર્વે, આરોગ્ય તપાસ, દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે.