સુરેન્દ્રનગરમાં બે પરિવારો વચ્ચે મારામારીમાં 9 વ્યક્તિઓને ઈજા

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં બે પરિવારો વચ્ચે મારામારીમાં 9 વ્યક્તિઓને ઈજા 1 - image


- સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો

- બંને પક્ષોની ફરિયાદના આધારે 10 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના નવા ૮૦ ફુટ રોડ પર આવેલા નવજીવન પાર્ક-૧માં સામાન્ય બોલાચાલી બાદ બે પરિવારો વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં કુલ ૯ સભ્યોને ઇજાઓ થતાં હોસ્પિટલ સારવાર માટે લઇજવાયાં હતાં. આ અંગે બન્ને પરિવારોએ બિ-ડિવિઝન પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના નવા ૮૦ ફુટ રોડ પર આવેલા નવજીવન પાર્ક-૧માં રહેતાં જલ્પાબેન હિમાંશુભાઇ સોલંકી ઘર પાસેથી ચાલીને જઇ રહ્યાં હતાં. તે દરમિયાન તેમના પાડોશમાં રહેતા બાબુભાઇ જીવણભાઇ સોલંકી ઇરાદાપૂર્વક તેમની સાથે ભટકાતા જલ્પાબેને બાબુભાઇને જોઇને ચાલવાનું કહેતા બાબુભાઇએ કોણી મારી અપશબ્દો બોલવા લાગ્યા હતા.

 ત્યારબાદ તેમના ઘરના સભ્યોને બોલાવી લાકડી તેમજ લોખંડના પાઇપ અને પથ્થરોના છુટ્ટા ઘા કરી હુમલો કર્યો હતો. તેમજ જલ્પાબેનનો મોબાઇલ પણ તોડી નાંખ્યો હતો. આ મારામારીમાં જલ્પાબેન, પતિ હિમાંશુભાઇ, સસરા વિરજીભાઇ, સાસુ હિરાબેન તેમજ જલ્પાબેનના દીકરા ઇન્દ્રવિજયને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. 

આ બનાવ અંગે જલ્પાબેને બાબુભાઇ જીવણભાઇ સોલંકી, નીલેષ ઉર્ફે બળીયો બાબુભાઇ સોલંકી, ભગીબેન બાબુભાઇ સોલંકી, રાજેશ્રી બાબુભાઇ સોલંકી, જીગ્નાશા બાબુભાઈ સોલંકી અને ચાંદનીબેન નીલેષભાઇ સોલંકી વિરૂધ્ધ બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે બાબુભાઇ જીવણભાઇ સોલંકીએ બિ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, બાબુભાઈ તેમના ઘર પાસે રહેતા વીરજીભાઇ સોલંકીના ઘર પાસેથી પસાર થતાં વિરજીભાઇ અને તેમનો પરિવાર ચાલીને જતાં હતાં. તે દરમિયાન બાજુમાંથી એક વાહન પસાર થતાં તેમની બાજુમાંથી નિકળતા હિમાંશુભાઇ સોલંકીએ જોતો નથી કેમ અમારી બાજુમાંથી નિકળીશ તેમ કહી ઝઘડો કરી એક લાફો મારી દીધો હતો. 

આથી બાબુભાઈએ આ બનાવ અંગે ઘરે વાત કરતા તેમની દીકરીઓ રાજેશ્રી તથા જીજ્ઞાાશા વીરજીભાઇ સોલંકીના પરિવારને સમજાવવા માટે જતાં વીરજીભાઇના પરિવારજનો દ્વારા લાકડી તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જેમાં બાબુભાઇ તેમજ તેમના દીકરા નિલેષ અને બંને દીકરીઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. મારામારીમાં મોબાઇલ પણ તોડી નાંખ્યો હતો તેમજ રાજેશ્રીબેનના ચશ્મા પણ તુટી ગયાં હતાં. 

આ સમગ્ર મામલે બાબુભાઇ જીવણભાઇ સોલંકીએ તેમના પડોશી વિરજીભાઇ સોલંકી, હિમાંશુભાઇ વિરજીભાઇ સોલંકી, હંશાબેન વિરજીભાઇ સોલંકી તેમજ જલ્પાબેન હિમાંશુભાઇ સોલંકી વિરૂધ્ધ બિ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News