મુળીના નાડધ્રી ગામની સીમમાં યુવક પર અમાનુષી અત્યાચારના મામલે ૯ શખ્સો સામે ગુનો નોંધાયો
- સમગ્ર પ્રકરણમાં ચાર શખ્સોની ધરપકડ કરાઇ
- યુવતી સાથે પ્રેમસબંધ મામલે યુવકને જાહેરમાં માર મારી મુંડન કરાવ્યું હતું
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના નાડધ્રી ગામની સીમમાં આવેલ એક વાડીમાં યુવક પર દિનદહાડે જાહેરમાં મુંડન કરી અમાનુષી અત્યાચાર કરતો વિડિયો વાયલર થયો હતા.ે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી હતી અને આ મામલે મુળી પોલીસ મથકે ભોગ બનનાર યુવકે ૯ શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.જેમાં ચાર શખ્સોની ધરપકડ કરાઇ હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના વિરપર ગામે રહેતા ફરિયાદી યુવક જયસુખભાઈ મેરૂભાઈ કુકવાવા ઉ.વ.૧૯વાળાને એક મહિના પહેલા ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન મુળીના નાડધ્રી ગામે રહેતી યુવતી સાથે વાતચીત થઈ હતી અને ત્યારબાદ યુવતીએ ફરિયાદીનો મોબાઈલ નંબર લઈ અવાર-નવાર ફરિયાદી અને યુવતી મોબાઈલમાં વાતો કરતા હતા.
જે દરમ્યાન યુવતીએ અલગ નંબરનું સીમકાર્ડ માંગતા ફરિયાદીએ નવું સીમકાર્ડ નાડધ્રી ગામે આવી આપ્યું હતું અને ત્યારબાદ ફરી બન્ને વચ્ચે વાતચીત ચાલી રહી હતી જેમાં યુવતીએ ફરિયાદી યુવકની સગાઈ થઈ ગઈ હોવાથી સબંધ નથી રાખવો તેમ જણાવી આપેલ સીમકાર્ડ પરત લઈ જવાનું કહેતા ફરિયાદી યુવક અને તેના માસીનો દિકરી મેહુલભાઈ દાનાભાઈ ઉર્ફે દાજીભાઈ કુકવાવા બન્ને નાડધ્રી ગામે સીમકાર્ડ પરત લેવા આવ્યા હતા .
અને ખેતરડી ગામના રસ્તે યુવતીની વાડીએ ગયો હતો ત્યાં સીમકાર્ડ આપતા યુવતીના ભાઈ જોઈ જતા ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો અને બહાર ઉભેલ ફરિયાદીના માસીના દિકરાને યુવતીના પરિવારજનોએ પકડી લેતા ફરિયાદી યુવક યુવતીની વાડીએ પરત ગયો હતો જ્યાં ફરિયાદી યુવકને વાડીના વચ્ચેના ભાગે શેઢા ઉપર બેસાડી અંદાજે ૧૦ જેટલા શખ્સોએ લાકડી અને પટ્ટા વડે આડેધડ મારમારી ગાળો આપી હતી .
તેમજ ગામના વાણંદને બોલાવી ફરિયાદી યુવકને પકડી રાખી બળજબરીપૂર્વક મુંડન કરાવ્યું હતું અને ત્યારબાદ યુવકના પિતા સહિત પરિવારજનોને ટેલીફોનીક જાણ કરી બોલાવ્યા હતા અને ફરિયાદી યુવક અને માસીના દિકરાને પરત આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે મામલે ભોગ બનનાર યુવકે ૯ શખ્સો (૧) સવધણભાઈ વિનાભાઈ ગેલડીયા (૨) જેરામભાઈ વાલજીભાઈ ગેલડીયા (૩) ભોપાભાઈ વાલજીભાઈ ગેલડીયા (૪) હમીરભાઈ વાલજીભાઈ ગેલડીયા (૫) રામજીભાઈ વાલજીભાઈ ગેલડીયા (૬) દિનેશભાઈ વાલજીભાઈ ગેલડીયા (૭) ભગાભાઈ વાલજીભાઈ ગેલડીયા (૮) ભરતભાઈ વાલજીભાઈ ગેલડીયા અને (૯) ખોડાભાઈ ભોપાભાઈ ગેલડીયા તમામ રહે.નાડધ્રી તાલુકો મુળીવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અને તમામ શખ્સો પૈકી ચાર શખ્સોને ઝડપી પાડી અન્ય શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.