ચોટીલા હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 9 પશુઓ બચાવાયા

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
ચોટીલા હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 9 પશુઓ બચાવાયા 1 - image


- પશુઓને રાજકોટ પાંજરાપોળ મોકલાયા

- આઇશર ચાલક અને ક્લીનર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા તેમજ મોરબીના ગૌરક્ષકો દ્વારા ચોટીલા હાઈવે પરથી કતલખાને લઈ જવાતા ૯ પશુઓને બચાવી રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં અને ઝડપાયેલ આયશરના ચાલક તેમજ ક્લીનર સામે ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોય છે ત્યારે ચોટીલા અને મોરબીના ગૌરક્ષકોને વાંકાનેર તરફથી અમદાવાદ જઈ રહેલ બે અલગ-અલગ વાહનોમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવતાં હોવાની બાતમી મળી હતી જેના આધારે હાઈવે પર અલગ-અલગ જગ્યાએ ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી જે દરમ્યાન એક આયશર પશુ ભરેલ પસાર થતાં તેનો પીછો કરતાં આયશરચાલક પથ્થરો ફેંકી વાહન સાથે નાસી છુટયો હતો જ્યારે અન્ય એક આયશરને ઝડપી પાડી તલાશી લેતા તેમાં ક્રુરતાપૂર્વક પાણી કે ઘાસચારાની સગવડતા વગર બાંધેલી હાલતમાં ૮ ભેંસ અને એક પાડા સહિત ૯ પશુઓ મળી આવ્યાં હતાં. જે તમામને રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં જ્યારે આયશરના ચાલક દાડમસીંગ મેહુલજી સોલંકી રહે.વાંકાનેર તેમજ ક્લીનર ભરતભાઈ મેવાભાઈ સોલંકી રહે.વાંકાનેરવાળાને ચોટીલા પોલીસ મથકે લાવી પશુધારા હેઠળ ગુન્હો દાખલ કરાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પશુઓને બચાવવામાં ગૌરક્ષકો હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ, રધુભાઈ, દિનેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.



Google NewsGoogle News