ધ્રાંગધ્રાના ઉતારા વિસ્તારના ગોડાઉનમાંથી ૮૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત
- શહેરમાં સતત ત્રીજા
દિવસે પણ ચેકિંગ
- પ્રતિબંધિત પ્લાસ્ટિકનો
જથ્થો જપ્ત કરી રૂ. પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા સતત ત્રીજા દિવસે પાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ધ્રાંગધ્રાના ઉતારા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી ૮૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી રૃ. પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થતો હોવાની ફરીયાદો ઉઠતાં પાલિકા તંત્રની
ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં ઠેર ઠેર ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં
અગાઉ બે દિવસમાં ૨૫૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
હતો. સતત ત્રીજા દિવસે સોમવારે પણ પાલિકાની ટીમ દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં
ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરના ધ્રાંગધ્રાના ઉતારા વિસ્તારમાં આવેલ ઇન્ડીયા
એજન્સીના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરી ૮૦૦ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે
કરવામાં આવ્યો હતો. તેમજ ગોડાઉનના માલિકને રૃપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો
હતો.