રતનપર વાલ્મિકીવાસમાં અગાઉના ઝઘડાના સમાધાન બાબતે પરિવારો વચ્ચે મારામારીમાં 8 ઘાયલ
- બન્ને પરિવારે સામસામે ફરીયાદ નોંધાવતા કુલ 7 વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર : જોરાવરનગર પોલીસ મથક હેઠળ આવતા રતનપર વાલ્મિકી વાસ વિસ્તારમાં અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ ફરીવાર મામલો ઉગ્ર બનતા બન્ને પરિવારો લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સહીતના હથિયારો વડે બાખડતા બન્ને પરિવારોમા કુલ ૮ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી જ્યારે બન્ને પરિવારોએ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા કુલ ૭ વ્યક્તિઓ સામે જોરાવરનગર પોલીસે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
રતનપર વાલ્મિકીવાસમાં રહેતા કુણાલભાઇ ધરમશીભાઇ વાળોદરાએ જોરાવરનગર પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે અગાઉ બાઇક બાબતે થયેલા ઝઘડાના સમાધાન માટે કુણાલભાઇ અને ભરતભાઇ જીવાભાઇ વાળોદરા શૈલેષભાઇ બચુભાઇ વાળોદરાના ઘરે ગયાં હતાં તે દરમિયાન ઉશ્કેરાયેલા શૈલેષભાઇ, નિલેશભાઇ બચુભાઇ વાળોદરા અને પ્રિન્સ શૈલેષભાઇ વાળોદરાએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરતા કેવલભાઇ વાળોદરા,રમેશભાઈ વાળોદરા અને સતિષભાઇ વાળોદરાને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હત?ાં આ બનાવ અંગે કુણાલભાઇએ ૩ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જ્યારે સામાપક્ષે શૈલેષભાઇ બચુભાઇ વાળોદરાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે અગાઉના ઝઘડાના મનદુખ બાબતે કુણાલ ઉર્ફે લાલુ રમશીભાઇ વાળોદરા, કેવલ ધરમશીભાઇ વાળોદરા, સતિષ ભરતભાઇ વાળોદરા અને રમેશ ઉર્ફે ગુડીયો જીવાભાઇ વાળોદરાએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો જેમાં શૈલેષભાઇ, નિલેશભાઇ, આરતીબેન, હંસાબેન અને પ્રિન્સને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ મામલે શૈલેષભાઇએ કુલ ૪ શખ્સો વિરૃધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.