ઝાલાવાડ પંથકમાં કોરોનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા : એક્ટિવ કેસ 333
- માસ્ક વગર ફરતા લોકો સુ૫ર સ્પ્રેડર બની શકે છે
- કોરોના ટેસ્ટીંગ વધારવાની જરૂર : જિલ્લામાં શરદી અને ખાંસીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો : શહેરી વિસ્તારોમાં કોરોના વધ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને લઈને પરિસ્થિતી દિવસેને દિવસે ચિંતાજનક બનતી જાય છે. સોમવારે જિલ્લામા વધુ ૭૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે એકટીવ કેસની સંખ્યાએ ત્રેવડી સદી ફટકારી દીધી છે. ૩૩૩ એકટીવ કેસ છે જિલ્લામાં ૧૮ દર્દી અને અત્યાર સુધીમાં ૭૯ દર્દી સાજા થયા છે. જિલ્લામાં હાલ શરદી-ઉધરસ-તાવના દર્દીઓ વધ્યા હોવાથી કોરોનાના કેસમાં ઉછાળો આવે તેવી શકયતા છે અને માસ્ક વગર આવી બિમારી લઈને ફરતા લોકોમાં કોરોનાના લક્ષણો હશે તો સુપર સ્પ્રેડર બની શકે છે તેથી ટેસ્ટીંગ વધારવાની અને માસ્ક ફરજીયાત કરવાની જરૂર છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વધુ ૭૫ કેસ થવા આવ્યા છે સૌથી વધુ શહેરી વિસ્તારમાંથી ૬૪ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૧ કેસ નોંધાયા છે. તાલુકા વાઈઝ જોઈએ તો ચોટીલા શહેરી વિસ્તારમાં ૧ કેસ, ચુડા ગ્રામ્ય વિસ્તારમાં ૧ કેસ, ધ્રાંગધ્રા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ અને શહેરી વિસ્તારમાંથી ૩ મળી કુલ ૪ કેસ, લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૬ કેસ, લીંબડીના શહેરી વિસ્તારોમાંથી ૧૬ કેસ,પાટડીના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨ કેસ, થાનગઢ શહેરી વિસ્તારમાં ૧ કેસ અને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ અને શહેરી વિસ્તારમાંથી ૪૩ કેસ મળી કુલ ૪૪ કેસ નોંધાયા છે ગઈકાલે ૧૮ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે, અત્યાર સુધીમાં કુલ ૭૯ દર્દી સાજા થયા છે તાલુકાવાર જોઈએ તો ચોટીલા તાલુકામાં ૧૧ એકટીવ કેસ, ચુડા તાલુકામાં ૬ એકટીવ કેસ, ધ્રાંગધ્રા તાલુકામાં ૬૮ એકટીવ કેસ, લખતર તાલુકામાં ૨૫ એકટીવ કેસ, લીંબડી તાલુકામાં ૪૨ એકટીવ કેસ, મુળી તાલુકામાં ૬ એકટીવ કેસ, પાટડી તાલુકામાં ૧૬ એકટીવકેસ, સાયલા તાલુકામાં ૬, થાનગઢ તાલુકામાં ૩ અને વઢવાણ તાલુકામાં ૧૫૦ એકટીવ કેસ છે ગઈકાલે ૧૯૮૩ આર.ટી.પી.સી.આર અને ૫૧૧ એન્ટીજન મળી કુલ ૨૪૯૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં રેકોર્ડ બ્રેક ૭૫ પોઝીટીવ કેસ નોંધાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામા હાલ શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ વધ્યા છે. કોરોનાની બીકે મોટાભાગના લોકો ટેસ્ટ કરાવવા જતા નથી પરિણામે, શરદી-ઉધરસ અને તાવના લક્ષણો ધરાવતા અને અજાણ્યે કોરોનાના લક્ષણો (હોય તો) ધરાવતા આવા લોકો માસ્ક વગર સાબિત થવાની શકયતા છે. તેથી તંત્રએ માસ્ક ન પહેરતા લોકોને માસ્ક પહેરવાની ફરજ પાડવી જોઈએ તેમજ આરોગ્ય તંત્ર દ્વારા હજુ પણ વધુને વધુ ટેસ્ટીંગ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી કોરોનાના સાચા કેસ સામે આવી શકે. અત્રે એ પણ નોંધનીય છે કે, સુરેન્દ્રનગર ખાતે આવેલી જીલ્લા કક્ષાની સરકારી કચેરીઓમાં વેકસીનના બન્ને ડોઝ લીધા હોય તેવા વ્યકિતએ જ સર્ટીફીકેટ જોઈ પ્રવેશ આપવાનો સુચનાનો ઉલાળીયો થતો જોવા મળે છે.
ખુદ જીલ્લાપંચાયતમાં જ કોઈ ચેકીંગ થતુ હોય તેમ જણાતુ નથી. બજારમાં મોટા ભાગના લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. આરોગ્ય શાખાના સુત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની પરિસ્થિતી ઉપર વોચ રખાઈ રહી છે. ગમે તે પરિસ્થિતિ સામે પહોંચી વળવા તૈયારી રખાઈ છે. હાલ જીલ્લાની છ હોસ્પિટલો સુરેનદ્રનગર, લીંબડી, ચુડા, પાટડી અને ચોટીલામાં ઓકસીજન પ્લાન્ટ કાર્યરત છે જીલ્લામાં ઓકસીજન સુવિધા સાથેના ૫૦૦ બેડ ઉપલબ્ધ છે. કોન્સ્ટ્રેપ્ટર વાળા ૨૭૮ બેડ ઉપલબ્ધ છે ૬૫૦ જનરલ બેડ ઉપલબ્ધ છે. આરોગ્યતંત્ર પાસે ૧૩૨૬ જેટલા ઓકસીજન સિલીન્ડર ઉપલબ્ધ છે. રાહતના સમાચાર એ છે કે, અત્યારેે માત્ર ૧ દર્દી જ ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આગામી દિવસોમાં જરૂર પડશે તો સરકારી હોસ્પીટલોમાં કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવશે તેમ જણાવાયુ છે.
જિલ્લામાં ઓકસીજન સાથેની કેપેસિટીવાળા 500બેડ ઉપલબ્ધ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીબંડી, સુરેન્દ્રનગર, ચુડા, પાટડી અને ચોટીલા એમ છ તાલુકામાં હાલ ઓકસીજન પ્લાન્ટ તૈયાર છે. તંત્ર પાસે ઓકસીજન કેપેસીટી સાથે ૫૦૦ બેડ, કોન્સ્ટ્રેપ્ટર વાળા ૨૭૮ બેડ અને જનરલ ૬૫૦ બેડ ઉપલબ્ધ છે.૧૩૨૬ જેટલા સિલીન્ડર ઉપલબ્ધ છે. ગઈકાલ સુધીમાં ૮૩૮૮ લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોના રસીકરણ અ ભિયાનમાં અત્યાર સુધીમાં ૫૬૩૬૯ ડોઝ અપાયા છે. ૧૮ થી ૪૫ વર્ષના લોકોને ૧૨,૯૫,૨૮૭ પ્રથમ ડોઝ અને ૧૨,૫૮,૬૭૮ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
પોલીસ કર્મચારીઓ અને રાજકીય આગેવાનો પણ કોરોનાની ઝપટમાં આવ્યા
સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના કહેર મચાવી રહ્યા છે. જીલ્લામાં બે પી.આઈ.અને બે કર્મચારી સહીત ૪ પોલીસ કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આમ આદમી પાર્ટીના એક નેતા પણ સંક્રમીત થયા છે. જીલ્લામાં કોરોનાની રફતાર વધતી જાય છે ત્યારે લોકોએ હવે સતર્ક અને સાવચેત રહીને ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે માસ્ક પહેરવાની તસ્દી લેવી જરૂરી બની છે.
થાનગઢ પંથકમાં કોરોના વિસ્ફોટ : 27 પોઝિટિવ કેસની ચર્ચા
થાનગઢ તાલુકામાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે ૨૭ પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે. સતાવાર રીતે થાનગઢમાં ૧ કેસ નોંધાયો છે. પરંતુ આરોગ્યતંત્ર દ્વારા બે વાગ્યા સુધીના રીપોર્ટીંગમાં આવતા આંકડા જાહેર કરાતા હોઈ ૨૭ પોઝીટીવ કેસ રીપોર્ટીંગ બાદના ગણી આવતીકાલમાં ગણાશે તેમ જાણવા મળેલ છે થાનગઢના નાયબ મામલતદાર પણ સંક્રમીત થયા હોવાનું ચર્ચાય છે.