ઝેઝરી ગામ પાસે વાનમાંથી દારૂની 600 બોટલ પકડાઈ
- 4.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો
- પોલીસે પીછો કરતા ચાલક વાનને બિનવારસી છોડી નાસી ગયો
સુરેન્દ્રનગર : લખતરના ઝેઝરી ગામ પાસે પીકઅપ વાનમાંથી ઈંગ્લિશ દારૂની ૬૦૦ બોટલ મળી આવી હતી. પોલીસે પીછો કરતા વાનનો ચાલક વાનને બિનવારસી છોડી નાસી ગયો હતો. આ અંગે પોલીસે રૂ.૪.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને ફરાર વાન ચાલક સહિતના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લખતર પોલીસની ટીમ જનરલ નાઈટ દરમિયાન રાઉન્ડમાં હતી, તે દરમિયાન સવલાણા ગામ નજીક પહોચતા પોલીસને બાતમી મળી કે ૫ીકઅપ વાનમાં પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નીકળનાર છે. જેના આધારે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન ઇંગરોળી ગામ તરફથી એક પીકઅપ વાન આવતા તેને ઊભી રાખીને ચેકિંગ હાથ ધરતા ચાલકે પીકઅપ વાન ઉભું નહિ રાખી સવલાણાથી ઝેઝરી ગામ તરફ જવાના રસ્તે પુરઝડપે ચલાવી હતી. જેનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવતાં ઝેઝરી ગામ પાસે વાનનો ચાલક વાન મુકી નાસી છુટયો હતો.
જ્યારે વાનની તલાશી લેતા અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦૦ મળી આવી હતી. પોલીસે રૂા.૨.૨૭ લાખની કિંમતનો દારૂનો જથ્થો તેમજ પીકઅપ વાન મળી કુલ રૂા.૪.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નાસી છુટેલા ચાલક સહિત દારૂ મંગાવનાર અને ભરી આપનાર શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.