વઢવાણના શખ્સ વિરૂદ્ધ 51.15 લાખની છેતરપિંડીની ફરિયાદ
- અગાઉના કેસના સમાધાનના નામે ઠગાઈ
- મોહાલીના શખ્સને વિશ્વાસમાં લઈ કાર અને રોકડ પરત ના આપ્યા
સુરેન્દ્રનગર : વઢવાણમાં રહેતા અને જૂની કારની લે વેચનું કામ કરતા શખ્સ સામે મોહાલીના શખ્સ ઉપર પોલીસ કેસ કરેલો હોય તેનુ સમાધાન કરવાના બહાને રૂા.૫૧.૧૫ લાખની છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા વઢવાણ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોહાલીમાં રહેતા ગુરૂવિન્દરસિંહ ઉર્ફે કરણ સાઇરાજ સીંઘ વઢવાણના મૌલીનભાઇ રાકેશકુમાર રાવલ સાથે વર્ષોથી જુની ગાડીઓની લે-વેચનો ધંધો કરતા હતા. તે દરમિયાન કારના સોદા પેટે બન્ને વચ્ચે માથાકુટ થતાં અગાઉ મૌલીનભાઇએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી.
જે બાબતે બાદમાં સમાધાન થઇ ગયું હતું અને મૌલિનભાઇએ રૂા.૪૫ લાખની કાર તેમજ હિસાબ પેટેના બાકી રૂા.૬.૧૫ લાખ થોડા દિવસમાં પરત કરી દેવાનું જણાવ્યું હતું પરંતુ કાર કે રકમ બન્નેમાંથી કાંઇ પણ પરત કર્યું નહતું અને આ બાબતે ગુરૂવિન્દરસિંહે તેને વારંવાર ફોન કરતા ફોન ઉપાડવાના પણ બંધ કરી દેતા છેતરપીંડી થયા અંગેની જાણ થતાં મૌલિનભાઇ રાવલ વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે કુલ રૂા.૫૧.૧૫ લાખની છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.