સુરેન્દ્રનગર જિલ્લાના 500 શિક્ષકો મોરબીમાં આયોજિત મહાપંચાયતમાં જોડાયા

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લાના 500 શિક્ષકો મોરબીમાં આયોજિત મહાપંચાયતમાં જોડાયા 1 - image


- 9 સંવર્ગના કર્મચારીઓએ પદયાત્રા યોજી

- પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું 

સુરેન્દ્રનગર : અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓલ્ડ પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતાં સમગ્ર રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં પદયાત્રા યોજી મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટીસંખ્યામાં શિક્ષકોએ સમર્થન આપી મોરબી ખાતે વડાપ્રધાનને સંબોધીને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ અંગે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સમગ્ર રાજ્યમાં શિક્ષકો સહિત તમામ ૯ અલગ-અલગ વિભાગોના પદાધીકારીઓએ વિધાનસભાની ચૂંટણી પહેલા આંદોલનના સમાધાન માટે માંગો પુરી કરવાની ખાત્રી આપી સ્વીકાર કર્યો હતો પરંતુ તે અંગેનો કોઈ જ ઠરાવ કરવામાં આવ્યો નહોતો.

જેમાં વર્ષ ૨૦૦૫ પહેલાના ઓલ્ડ પેન્શન યોજના સહિત તમામ શિક્ષકો અને કર્મચારીઓને પેન્શન મળે તેવી માંગ કરાઈ હતી. જેમાં તબક્કાવાર આંદોલન બાદ પણ કોઈ જ ઉકેલ આવ્યો નહોતો. આથી પદયાત્રા કરી મહાપંચાયતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, મુખ્ય શિક્ષક, એચટાટના પ્રશ્નોના મામલે જિલ્લામાંથી ૫૦૦થી વધુ શિક્ષકો જોડાયા હતા અને વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા વડાપ્રધાનને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.



Google NewsGoogle News