50 થી વધુ સફાઇ કામદારો દ્વારા દરરોજ રાત્રીના મુખ્ય રસ્તાઓ પર સફાઇ કરવા છતાં બીજા દિવસે પરિસ્થિતિ જૈ સે થે
- સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર રાત્રી સફાઇ દરમિયાન દરરોજ 11 ટનથી વધુ કચરાનો નિકાલ
- જાહેર રસ્તા પર કચરાનો નિકાલ કરવાના બદલે ડોર ટુ ડોરના વાહનમાં કચરો નાંખવા લોકોને પાલિકાની અપિલ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા એક માસ કરતા વધુ સમયથી શહેરના મુખ્ય રસ્તાઓ પર રાત્રી સફાઇ અભિયાન શરૃ કરવામાં આવ્યું છે જેમાં દૈનિક ૧૧ ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે પરંતુ દૈનિક સફાઇ બાદ પણ લોકો દ્વારા કચરો શહેરના મુખ્ય રસ્તાઓ પર જ ફેંકવામાં આવતા બીજા દિવસે પરિસ્થિતિ જૈ સે થે જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા લોકોને અને વેપારીઓને જાહેર રસ્તા પર કચરાના નિકાલને બદલે ડોર ટુ ડોર કચરાના વાહનમાં કચરો નાંખવામાં આવે તેવી અપિલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા સફાઇ પાછળ દર મહિને લાખો રૃપિયાનું આંધણ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં શહેરનાં મુખ્ય રસ્તાઓ પર કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હતું આથી પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ૧ મહિના કરતા વધુ સમયથી શહેરના મુખ્ય રસ્તાઓ પર રાત્રી સફાઇ અભિયાન શરૃ કરવામાં આવી છે. જેમાં ૫૦ થી વધુ સફાઇ કામદારો દ્વારા દરરોજ શહેરના અલગ અલગ મુખ્ય રસ્તાઓ પર સફાઇ હાથ ધરવામાં આવે છે. જેમાં ટાવરથી આંબેડકર ચોક, ટાંકી ચોકથી મલ્હાર ચોક, એન.ટી.એમ. હાઇસ્કુલથી સી.જે.હોસ્પિટલ રોડ તેમજ ખીજડીયા હનુમાન ચોકથી બ્રહ્મસમાજની વાડી અને રતનપર તેમજ જોરાવરનગરના મુખ્ય રસ્તાઓ પર સફાઇ હાથ ધરવામાં આવે છે જેમાં દૈનિક ૧૧ ટનથી વધુ કચરો એકઠો કરી ડમ્પિંગ સાઇટ પર નિકાલ કરવામાં આવે છે. પાલિકા તંત્રની ટીમ દ્વારા દૈનિક સફાઇ કર્યાં બાદ પણ લોકો દ્વારા જાહેર રસ્તા પર જ કચરાનો નિકાલ કરવામાં આવતા બીજા દિવસે શહેરના મુખ્ય રસ્તાઓ પર જૈ સે થે જેવી હાલત જોવા મળી રહી છે. જેના કારણે છેલ્લા એક માસથી શહેરના મુખ્ય રસ્તાઓની સફાઇ કરવા છતાં શહેરના મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર આવેલી દુકાનોમાંથી કચરો એકઠો કરવા માટે પાંચ ડોર ટુ ડોરના વાહનો મુકવામાં આવ્યા છે તેમ છતાં સ્થિતિ આવી જોવા મળી રહી છે ત્યારે લોકો અને વેપારીઓ દ્વારા ડોર ટુ ડોર કચરાના વાહનમાં જ કચરો નાંખવામાં આવે તેવી પાલિકા તંત્ર દ્વારા લોકો અને વેપારીઓને અપિલ કરવામાં આવી છે.