વઢવાણ વિશ્વકર્મા સોસાયટીમાં તસ્કરોનો તરખાટ રૃપિયા 5.75 લાખની મત્તાની ચોરી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
વઢવાણ વિશ્વકર્મા સોસાયટીમાં તસ્કરોનો તરખાટ રૃપિયા 5.75 લાખની મત્તાની ચોરી 1 - image


- તસ્કરોએ બે બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો

- ચરમાળીયા પોલીસ ચોકી નજીક જ આવેલ ટાઉનશીપમાં ચોરી થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો

સુરેન્દ્રનગર : વઢવાણ લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા ટાઉનશીપમાં બંધ બે રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતાં અને બંન્ને બંધ રહેણાંક મકાનમાંથી રોકડ રૃપિયા તેમજ સોના ચાંદીના દાગીના સહીત કુલ રૃા.૫.૭૫ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં આ મામલે ભોગ બનનાર મકાન માલિકે વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે અને પોલીસ તંત્ર હજુ પણ સબ સલામત હોવાની ગુલબાંગો પોકારી રહી છે ત્યારે વઢવાણ લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં બંધ બે રહેણાંક મકાનમાંથી લાખો રૃપિયાની મત્તાની ચોરી કરી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો છે. આ ચોરીના બનાવ અંગે પોલીસ  સુત્રો પાસેથી મળતી મુજબ વઢવાણ લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહતા કમલેશભાઇ માનસંગભાઇ પરમાર અને તેમના પત્નિ વ્યારા તાલુકાના અણુમાલા ગામે રહેતા તેમના દિકરાના ઘરે ગયા હતાં અને ઘરની ચાવી તેમના કુટુંબી ભરતભાઇ બેચરભાઇ પરમારને આપીને ગયાં હતાં. ભરતભાઇ તેમના દાદા કમલેશભાઇને ઘરે આંટો મારવા ગયાં હતા તો રસોડાની બહાર રોડ સાઇડમાં  આવેલ દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું આથી ભરતભાઇએ ઘરમાં તપાસ કરતા ઘરમાં સેન્ટરલોકનો દરવાજો તોડી રૃમમાં રહેલા કબાટમાંથી રોકડા રૃા.૪,૫૦,૦૦૦ તેમજ ૬ તોલાનો સોનાનો હાર કિંમત રૃા.૩૦,૦૦૦ તેમજ ચાંદીના છડા કિંમત રૃપિયા પાંચ હજાર સહીત કુલ રૃા.૪,૮૫,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે ભરતભાઇએ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જ્યારે બીજા બનાવમાં વિશ્વકર્મા ટાઉનશીપમાં જ રહેતા કાંતીભાઇ હસમુખભાઇ કણઝરીયા પરિવારજનો સાથે થાન ગયાં હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતુ. અને ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત કરી ઘરની તીજોરીમાં રહેલા રોકડા રૃા.૫૦ હજાર તેમજ ચાંદીના છડા, જુડો, ચાંદીનો હાર, માછલી સહીત કુલ રૃા.૭૦ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. આ બનાવ અંગે ભોગ બનનાર કાંતીભાઇ હસમુખ ભાઇ કણઝરીયાએ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરી કરવા આવેલા ૩ બુકાનીધારી શખ્સો સીસીટીવીમાં કેદ

વિશ્વકર્મા પાર્કમાં બે બંધ રહેણાંક મકાનમાં ચોરીના બનાવમાં કમલેશભાઇ માનસંગભાઇ પરમારના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવા આવેલા ૩ બુકાનીધારી શખ્સો દેખાયા હતાં. અને ચોરી કરવા આવેલા શખ્સોએ સીસીટીવી કેમેરા જોઇ જતાં કેમેરા ઉંધા કરી દીધા હતાં. પોલીસે હાલ સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસની કામગીરી હાથ ધરી હતી છે.

ચોરી કરવા આવેલા શખ્સો એક બાઇક પણ ઉઠાવી ગયાં

વઢવાણ લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા ટાઉનશીપમાં બે બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા બાદ આ જ ટાઉનશીપમાં રહેતા જયંતીભાઇ મુળજીભાઇ ડોડીયાનું રૃપિયા ૨૦ હજારની કિંમતનું બાઇક પણ તસ્કરો લઇને ફરાર થઇ ગયાં હતાં. ચોરીને અંજામ આપવા આવેલા તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીમા દાગીના સાથે બાઇક પણ ઉઠાવી ગયાં હતાં.

ચરમાળીયા પોલીસ ચોકીથી નજીક આવેલ જ ટાઉનશીપમાં ચોરી થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો

વઢવાણ લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા ટાઉનશીપની સામે જ ચરમાળીયા પોલીસ ચોકી આવેલી છે જ્યાં રાત્રીના સમયે અવારનવાર પોલીસ દ્વારા ચેકીંગ સહીતની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે પોલીસ ચોકી સામે જ આવેલ ટાઉનશીપમાં એક જ રાતમાં બે મકાનોમાં ચોરીના બનાવ બનતાં વઢવાણ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે

અગાઉ ૭ થી ૮ વખત ચોરીના બનાવો બન્યાં છતાં પોલીસે ફરીયાદ ન લીધી હોવાનો સ્થાનિકોનો આક્ષેપઅગાઉ ૭ થી ૮ વખત ચોરીના બનાવો બન્યાં છતાં પોલીસે ફરીયાદ ન લીધી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

વઢવાણ લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા ટાઉનશીપમાં અગાઉ ૭ થી ૮ વખત ચોરીના બનાવો બન્યા હોવા છતાં પોલીસ દ્વારા ફરીયાદ ન લીધી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ તાજેતરમાં વધુ બે રહેણાંક મકાનોમાંથી લાખો રૃપિયાની ચોરી થતાં સ્થાનિકોનું ટોળું પોલીસ મથકે દોડી ગયું હતું અને લોકોનો આક્રોશ જોઇને વઢવાણ પોલીસે ચોરીની બે અલગ અલગ ફરીયાદ નોંધી હતી

ચોરીના બનાવમાં રૃપિયા ૧૫ લાખથી વધુ મત્તાની ચોરી સરકારી ચોપડે માત્ર રૃપિયા ૫.૭૫ લાખની જ ફરીયાદ નોંધાઇ

વઢવાણ વિશ્વકર્મા ટાઉનશીપમાં બે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતાં જેમા રોકડા રૃા.૪,૫૦,૦૦૦ સહીત સોના ચાંદીના દાગીના પણ તસ્કરો ઉઠાવી ગયાં હતાં તમામ મુદ્દામાલની કિંમત હાલના બજારભાવ મુજબ ગણવામાં આવે તો કુલ રૃા.૧૫ લાખથી વધુનો આંકડો આવે તેવી શક્યતાઓ છે પરંતુ પોલીસ ચોપડે કુલ રૃા.૫,૭૫,૦૦૦ ની જ ફરીયાદ નોંધી પોલીસ સમગ્ર મામલે ઢાંકપીછોડો કરવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે.



Google NewsGoogle News