ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપીને સાથે 48.30 લાખની છેતરપિંડી
-અમદાવાદની બે મહિલા સહિત ત્રણ સામે ગુનો
- સુરેન્દ્રનગરના નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર, જમાઈ, સબંધી સહિત પાંચ વ્યક્તિ ભોગ બન્યા : કંપનીના બોગસ કોલ લેટર, ખોટું મેરીટ લીસ્ટ, ખોટા સિક્કા સહિતના ડોક્યુમેન્ટ બનાવી રૃપિયા પડાવીને ઠગાઇ આચરી, એકની ધરપકડ
સુરેન્દ્રનગર : ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ખોટો કોલ લેટર અને ખોટું મેરીટ લીસ્ટ સહિતના ડોક્યુમેન્ટ પર સહિ-સિક્કા કરાવી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ૪૮.૩૦ લાખની છેતરપીંડી આચરી હતી. જેમાં સુરેન્દ્રનગરના નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર, જમાઈ, સબંધી સહિત પાંચ વ્યક્તિઓ ઠગાઈનો ભોગ બન્યા હતા. આ અંગે અમદાવાદની બે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૃદ્ધ શહેરના એ-ડિવિઝન પોલીસ થમકે ગુનો દાખલ કરાયો હતો. જેમાં એક શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના દાળમીલ રોડ પર રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી ભુપતસિંહ ટપુભા ઝાલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેમને અમદાવાદ ખાતે રહેતા અને મુળ રળોલ ગામના વતની અને નિવૃત્ત કલાસ-૨ અધિકારી અને મીત્ર જનકકુમાર બી.રાવલ સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી પરિચયમાં હોવાથી પારિવારીક સબંધ ધરાવે છે .માર્ચ ૨૦૨૩માં જનકકુમારની દિકરી પાયલબેને નિલેશભાઈ પંચોલી નામના વ્યક્તિ ઓએનજીસીમાં સારી ઓળખાણ ધરાવે છે અને કોઈને નોકરીએ લગાવવાના હોય તો રૃા.૧૫ લાખ દરેક ઉમેદવાર દીઠ વહિવટ પેટે લે છે તેમ જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ નિલેશભાઈનો ટેલીફોનીક સંપર્ક કરતા કલાર્કની નોકરીનો રૃપિયા ૫૦,૦૦૦ અને સુપરવાઈઝરનો રૃા.૭૦,૦૦૦ પગાર મળશે અને ત્રણ મહિનાની દહેરાદુન ટ્રેનીંગ બાદ પોસ્ટીંગ આપવામાં આવશે તેમ જણાવી ફરિયાદીને નોકરી અપાવવાની લાલચ આપી હતી.
ફરિયાદીએ પોતાના દિકરા (૧) દિગ્પાલસિંહ ભુપતસિંહ ઝાલા (૨) સબંધી જયેન્દ્રસિંહ સુરજસિંહ ઝાલા (૩) જમાઈ બિરેન્દ્રસિંહ કિર્તિસિંહ જાડેજા (૪) સબંધી યશરાજસિંહ પ્રદિપસિંહ જાડેજા અને (૫) ભાણુભા પૃથ્વીરાજસિંહ નટુભા જાડેજાને ઓએનજીસી કંપનીમાં ઉમેદવાર તરીકેના ડોક્યુમેન્ટ નિલેશભાઈને મોકલ્યા હતા અને ત્યારબાદ નિલેશભાઈએ મેરીટ લીસ્ટ આવે એટલે એક ઉમેદવાર દીઠ એક લાખ રૃપિયા ટોકન પેટે જમા કરાવવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ કટકે કટકે રોકડ રૃા.૪૮.૩૦ લાખ જમા કરાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પરિવારજનો અને સગા સબંધીઓને ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ઓએનજીસી કંપનીના લેટર પેડ અને સીક્કવાળો ખોટો લેટર બનાવ્યો હતો અને ખોટું મેરીટ લીસ્ટ તથા મેમોરેન્ડમ ફોર્મ તેમજ મેડીકલ તપાસણીના ખોટા ફોર્મમાં સહી કરાવી નોકરી માટે એનકેન પ્રકારે બહાના બતાવ્યા હતા. આથી ફરિયાદીએ તેમણે ચુકવેલ રૃા.૪૮ લાખ જેટલી રકમ પરત માંગતા નિલેશભાઈ પંચોલીએ ચેક આપ્યો હતો પરંતુ તે ચેક પણ ફરિયાદીએ પોતાના બેન્ક ખાતામાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો. આમ ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી ખોટા ડોક્યુમેન્ટ અને ખોટો કોલલેટર બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી રૃા.૪૮.૩૦ લાખની છેતરપીંડી અંગે ભોગ બનનાર ફરીયાદીએ અમદાવાદ રહેતા (૧) નિલેશકુમાર કિરિટભાઈ પંચોલી (૨) પાયલબેન જનકકુમાર રાવલ અને (૩) અનુરાધાબેન જનકકુમાર રાવલ સામે ફરિયાદ નોંધાવતા એ-ડિવીઝન પોલીસે ત્રણ શખ્સો પૈકી એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.